← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હીંચકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીનો હીંચકો
હવે અડધો જ ઝૂલે છે.

પહેલાં
એક પગ દાદાનો
ને એક પગ બાનો —
બેઉ વારાફરતી ઠેસ મારતાં
ને હીંચકો
આખો દિવસ
વાતો કર્યા કરતો.

હવે દાદા એકલા બેસે છે.
એક જ પગની ઠેસ.
હીંચકો થોડો જાય,
થોડો પાછો આવે,
ને વચ્ચે અટકી જાય —
જાણે કોઈની રાહ જોતો હોય.

કડાંનો કિચૂડાટ
પહેલાં ગીત હતો,
હવે
પ્રશ્ન છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકેડીઆગલો લેખ →તું તોડે તો તોડ