હવન
આગ જ્યાં પ્રગટે હવનની, મોહ-માયા ઓગળે,
રાખ થઈ જાતી ચિતામાં, રૂપ-કાયા ઓગળે.
ભરબપોરે સૂર્ય જ્યારે શિર ઉપર સીધો તપે,
પગ તળે ત્યારે જુઓ સૌ, જાત-છાયા ઓગળે.
વેર, ઈર્ષા, દ્વેષ સૌ જ્યાં પ્રેમનો દીવો બળે,
હૂંફમાં હેતાળ, આપણ ને પરાયા ઓગળે.
સો તિજોરી, સો મકાનો, ને ખજાના સાત પણ,
અંત ટાણે, આયખામાં જે કમાયા, ઓગળે.
આ પરાગે શબ્દ હોમ્યા, ભાવનો દીવો કરી,
આંસુ, આહો, ને દરદ જે થઈ સવાયા, ઓગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #અધ્યાત્મ #હવન #અહંકાર #મોહમાયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Spirituality #SacredFire #Ego #Detachment #ParagRatanpara