← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હથેળીનો નકશો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુજીની હથેળીમાં
રેખાઓ ઓછી
ને ચીરા વધારે હતા.

જ્યોતિષી કહેતો:
‘આમાં ભાગ્યની રેખા જ નથી.’

પણ મેં જોયું છે —
એ ચીરાઓમાંથી
એક ખેતર ગયું હતું,
એક કૂવો,
મારી નિશાળની ફીનો રસ્તો,
બહેનના લગ્નની વાડી,
ને ઘરની છત પરનાં
નવાં નળિયાં.

ભાગ્યની રેખા
એમની હથેળીમાં નહોતી,
કારણ કે
એ બધી
અમારા કપાળમાં
ઊતરી આવી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવરતારોઆગલો લેખ →પાંખોમાં