← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હપ્તે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે
હપ્તે ઘર લીધું,
હપ્તે ગાડી,
હપ્તે સોફો,
હપ્તે હાસ્ય પણ —
દર મહિનાની પાંચમી તારીખે
ખાતામાંથી કપાઈ જાય એવું.

હવે એક એજન્ટ આવ્યો છે.
કહે છે:
‘સાહેબ, સ્મશાનમાં જગ્યા
અત્યારે સસ્તી છે,
પછી ભાવ વધી જશે.’

અમે વિચારીએ છીએ —
જે ઘરમાં
એક સાંજ પણ નિરાંતે ન બેઠા,
એના હપ્તા હજી બાકી છે,
ને હવે કબરનું પણ
ડાઉન પેમેન્ટ?

લાગે છે,
અમે મરીશું પણ
હપ્તે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખપપ્પાનો પલંગઆગલો લેખ →છત્રી