હારી જવામાં
ઘણી જીતો મળી તો પણ, મજા હારી જવામાં છે,
પ્રણયમાં તો ખરી સાચી વફા હારી જવામાં છે.
રમે બાળક તણી સાથે, પિતા હારે ઘણા હરખે,
ગમે છે એ, પિતાની તો અદા હારી જવામાં છે.
ખુદીને છોડ, ઓ બંદા, ખુદા મળશે તરત તુજને,
કહે છે સંતજન: સાચી ફના હારી જવામાં છે.
દલીલે જીતવું ઘરમાં, પડે મોંઘું, મને પૂછો,
સુખી દાંપત્યની મીઠી દવા હારી જવામાં છે.
પરાગે મ્હેક વેરી દઈ, ખુશી પામી ખરી જાતાં,
થયું સાબિત, બધી એની કળા હારી જવામાં છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #સૂફી #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #JoyOfLosing #Surrender #SufiWisdom #Fatherhood #ParagRatanpara