← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘાટ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નર્મદાના ઘાટ પર
વહેલી સવારે
એક ઘરડું દંપતી
ન્હાય છે.

એ સાડલો સંભાળે છે,
એ ધોતિયું.
એ એનો હાથ ઝાલે છે —
પગથિયે લપસે નહીં માટે;
એ એનો ખભો ઝાલે છે —
ઠંડીથી ધ્રૂજે નહીં માટે.

પચાસ વરસમાં
શરીર
કરચલીઓનું પોટલું થઈ ગયું છે,
પણ એ જે રીતે
એની પીઠ પર
લોટે લોટે પાણી રેડે છે —

ઘાટ પરના
બધા દેવો
આરતી અધૂરી મૂકીને
જોયા કરે છે:
પૂજા
આને કહેવાય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમનડું માંકડુંઆગલો લેખ →ગુડ મૉર્નિંગ