ગાંઠ
રોષની હોળી હૃદયમાં જાત બાળી ક્યાં સુધી?
વેરની ગાંઠો અમે મનમાં જ વાળી ક્યાં સુધી?
ભીંત ઊભી આંગણે ને વાડ ઊગી ખેતરે,
ભાઈ સામે ભાઈ, નજરો આમ ટાળી ક્યાં સુધી?
એક ભૂલે, એક શબ્દે, જિંદગી તૂટી પડી,
ઠેસ નાની વાતની, એ ઠેસ પાળી ક્યાં સુધી?
મૌન રાખી, ઝેર પીને, હોઠ પર હસતાં રહી,
આંસુઓ આંખે ચડેલાં રોજ ખાળી ક્યાં સુધી?
ફૂલ તો કાંટા છતાં મ્હેકી રહે છે બાગમાં,
આ પરાગે જિંદગી રોષે જ ગાળી ક્યાં સુધી?
– પરાગ રતનપરા
#ગઝલ #ક્રોધ #વેર #ક્ષમા #ભાઈચારો #પરાગરતનપરા
#GujaratiGhazal #Anger #Forgiveness #Grudges #Brotherhood #ParagRatanpara