ફેલાયેલા હાથ
ચર્ચમાં
ક્રૂસ પર ઈસુ
બે હજાર વર્ષથી
હાથ પહોળા કરીને ઊભા છે.
લોકો મીણબત્તી સળગાવે,
ઘૂંટણિયે પડે,
ને બહાર નીકળીને
પાડોશીની દીવાલ
થોડી વધુ ઊંચી કરે.
ક્યારેક મને લાગે છે —
ઈસુ ક્રૂસ પર
ખીલાથી નથી જડાયેલા;
એ તો
હજી
આપણને ભેટવા માટે
હાથ ફેલાવીને
રાહ જુએ છે.
– પરાગ રતનપરા