એક શબ્દની કવિતા
રાતે સપનામાં
એક કવિતા આવી —
પૂરેપૂરી,
લય, પ્રાસ ને અંત સાથે.
મેં સપનામાં જ
એને વાંચી,
ને રડી પડ્યો.
સવારે
યાદ રહ્યો
ફક્ત એક શબ્દ:
‘બા’.
આખો દિવસ
હું એ કવિતા શોધતો રહ્યો —
કાગળમાં, કલમમાં,
જૂની ડાયરીઓમાં.
સાંજે
દીવો કરતાં
સમજાયું —
કવિતા
એ એક શબ્દમાં
પૂરી હતી.
– પરાગ રતનપરા