એક મોકો દે મને
આખરી આ બોલવાનો એક મોકો દે મને,
જાતને પણ ખોલવાનો એક મોકો દે મને.
કેટલા વેશો સજી, ને કેટલા મ્હોરાં ધરી,
સત્યથી ખુદ તોલવાનો એક મોકો દે મને.
ભીડની તાળી મહીં ખોવાઈ ગઈ મારી કથા,
મૌનમાં પણ ડોલવાનો એક મોકો દે મને.
દ્રશ્ય છેલ્લું છે, હવે પડદો પડે છે ધીમથી,
આંસુઓ પણ ઢોળવાનો એક મોકો દે મને.
ભૂમિકા પૂરી કરી, ખુશ્બૂ બચી છે, ઓ ‘પરાગ’,
આ હવામાં ઘોળવાનો એક મોકો દે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #રંગમંચ #જીવનનાટક #મ્હોરાં #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeIsAStage #FinalAct #Masks #CurtainCall #ParagRatanpara