એક ક્ષણ
ભીડમાંથી નીકળી ને પાસ બેઠી એક ક્ષણ,
જિંદગીભર જીવ મારામાં જ પેઠી એક ક્ષણ.
કેટલાં વર્ષો ગયાં, ને સાંભરે ના એક દિન,
ઝેર જેવાં વર્ષ વીત્યાં, તોય મીઠી એક ક્ષણ.
ઘર, જમીનો ને ઘરેણાં કાળને સોંપ્યાં બધાં,
પણ ન સોંપી, જીવ પર જે મેં જ વેઠી એક ક્ષણ.
આયનો રોજે મનાવે, તું હસી દે ને હવે,
તોય મોઢું ફેરવીને છે જ રૂઠી એક ક્ષણ.
ફૂલ તો કરમાઈ ચાલ્યું, ડાળ પણ સૂકી, પરાગ,
તોય વર્ષો બાદ જાગી, મ્હેક ઊઠી એક ક્ષણ.
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષણ #સ્મૃતિ #સમય #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #OneMoment #Memory #Time #EternalNow #ParagRatanpara