એ જ ગલી
વર્ષો પછી
ભૂલથી
તારી ગલીમાં
આવી ચડ્યો.
ગલી
એ જ હતી,
પણ
ખૂણે
પાનનો ગલ્લો નહોતો,
ત્યાં
મોબાઇલ રિચાર્જની દુકાન હતી.
તારા ઘરની
લીલી બારી
હવે
ઍલ્યુમિનિયમની હતી.
ઓટલા પર
એક છોકરી
ફોનમાં
કોઈની સાથે
હસતી હતી.
એ
તું નહોતી.
પણ
એનું હસવું
એ જ ગલીમાં,
એ જ ઓટલે,
એ જ ખૂણે
ગૂંજતું હતું
જ્યાં
વર્ષો પહેલાં
એક ગીત
અધૂરું
છૂટી ગયું હતું.
હું
ઝડપથી
આગળ વધી ગયો —
જેથી
એ ગીત
પૂરું કરવાનો
એને
સમય મળે.
– પરાગ રતનપરા