એ ગનીમત છે
ઘણું ખોયું, છતાં થોડું બચાવ્યું, એ ગનીમત છે,
તિમિરમાં કોડિયું નાનું જગાવ્યું, એ ગનીમત છે.
નથી ઝુમ્મર, નથી સોફા, નથી મોંઘો ગલીચો ત્યાં,
ગરીબીમાં ય માએ ઘર સજાવ્યું, એ ગનીમત છે.
તને ચાહી, ગુમાવ્યું સર્વ, તોયે ના થયો દુઃખી,
હતું જે દર્દ, તે ગઝલે સમાવ્યું, એ ગનીમત છે.
ઘણા સંબંધ તૂટ્યા, ને ઘણા અંગત થયા અળગા,
બચેલું એક સગપણ તો નિભાવ્યું, એ ગનીમત છે.
પરાગે ના બગીચો, ના વસંતો ક્યાંય દીઠી, પણ
ઝરૂખે એક કુંડામાં ખિલાવ્યું, એ ગનીમત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશ્વાસન #કૃતજ્ઞતા #આશા #નાનુંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #SilverLining #Gratitude #Hope #SmallJoys #ParagRatanpara