← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોટ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌ સવારે નીકળે ને ડૉલરોની દોટ છે,
ને બપોરે ભૂખ ભૂલી નંબરોની દોટ છે.

બે વરસનું બાળ પણ દફતર ઉપાડીને ફરે,
ને મમીને ટ્યૂશનોની, ટ્યૂટરોની દોટ છે.

માણસો ભૂલી ગયા છે ઘાસ, ઝરણાં ને વિહગ,
આ નગરમાં કાચની ને પથ્થરોની દોટ છે.

ભાષણે નેતા કહે છે, દેશની સેવા ધરમ,
ખાનગીમાં તો જુઓ, બસ ટેન્ડરોની દોટ છે.

ફોનમાં બા પૂછતી: ‘ક્યારે ઘરે આવીશ તું?’
આ ‘પરાગે’ શું કહેવું? ઑર્ડરોની દોટ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ઉંદરદોડ #શહેરીજીવન #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #Satire #UrbanLife #ModernLiving #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરાહમાંઆગલો લેખ →વૉશિંગ મશીનનું ગીત