ડોરબેલ
સિત્તેર વરસનાં
મણિબેન
દિવસમાં દસ વાર
બારણું ખોલીને જુએ છે.
ડોરબેલ વાગી નથી,
તોય.
દીકરો કૅનેડા,
દીકરી દુબઈ,
ને પતિ
ભીંત પરના હારમાં.
એક દિવસ
ખરેખર બેલ વાગી —
કુરિયરવાળો હતો,
કોઈ ખોટા સરનામાનું ખોખું લઈને.
મણિબેને એને
ચા પાઈ,
ભજિયાં ખવડાવ્યાં,
એની માના સમાચાર પૂછ્યા.
હવે
એ કુરિયરવાળો
રોજ સાંજે
એક ખાલી ખોખું લઈને
ખોટા સરનામે
આવે છે.
– પરાગ રતનપરા