દોડ
સવારે છ ને પાંચની લોકલ,
નવ ને દસનું પંચિંગ,
એક વાગ્યે ટિફિન
ટેબલ પર જ,
સાત ને ચાલીસની લોકલ,
દસ વાગ્યે ‘ગુડ નાઇટ’નો મેસેજ.
ત્રીસ વર્ષ
આ જ દોડ.
નિવૃત્તિના દિવસે
સાહેબે શાલ ઓઢાડી
ને કહ્યું:
‘હવે આરામ કરો.’
ઘરે આવીને
હું ખુરશીમાં બેઠો,
ને મને
પહેલી વાર ખબર પડી
કે બેસવું
દોડવા કરતાં
અઘરું છે.
પગ
હજી પણ
છ ને પાંચની લોકલ
પકડવા ઊઠે છે.
– પરાગ રતનપરા