ધુમાડો
સવારે સૂર્ય ઝાંખો છે, હવાઓમાં ધુમાડો છે,
ન તારા છે, ન ચાંદો છે, દિશાઓમાં ધુમાડો છે.
ઝરૂખે ખાંસતા દાદા, દવાનો પંપ નાનાને,
અરે, ઘરની ય પૂજાની દુઆઓમાં ધુમાડો છે.
નદીકાંઠે હતાં વૃક્ષો, કપાયાં રોડ માટે સૌ,
નગરમાં શેષ જે, એની ઘટાઓમાં ધુમાડો છે.
પ્રદૂષણ પર થયાં ભાષણ, હવામાં વાયદા ઊડ્યા,
ધુમાડો કાઢતી ગાડી, સભાઓમાં ધુમાડો છે.
હતો ચૂલો, હતી મા, ને પરાગે શ્વાસમાં લીધો,
હવે એ મીઠડો કેવળ કથાઓમાં ધુમાડો છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રદૂષણ #ગૂંગળામણ #પર્યાવરણ #ગામનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #AirPollution #Suffocation #Environment #VillageMemories #ParagRatanpara