દેરું
ગામને પાદરે
પીપળા નીચે
હનુમાનજીનું
નાનકડું દેરું છે.
ત્યાં ન પૂજારી છે,
ન ઘંટ,
ન દાનપેટી.
બસ
સિંદૂરથી રંગેલો
એક પથ્થર,
ને એની સામે
કોઈએ મૂકેલું
અડધું નાળિયેર.
ગામના છોકરા
ત્યાં બેસીને
ગિલ્લી-દંડા રમે છે,
ગોવાળ
બપોરે ત્યાં
ઊંઘ ખેંચી લે છે,
ને પરણીને સાસરે જતી દીકરી
ત્યાં
એક ક્ષણ ઊભી રહીને
પાછું વાળીને
ગામ જોઈ લે છે.
શહેરનાં મોટાં મંદિરોમાં
હનુમાનજી
સોનાના મુગટ પહેરે છે.
પણ મને ખાતરી છે,
રાત પડે
ત્યારે
એ ચૂપચાપ
અહીં આવીને
પીપળા નીચે
બેસી જતા હશે.
– પરાગ રતનપરા