દવા અને દુઆ
હૉસ્પિટલની લૉબીમાં
બે બાંકડા છે.
એક પર બેઠા છે
બિલ ભરવા પૈસા ગણતા
દીકરા.
બીજા પર બેઠી છે
માળા ફેરવતી
મા.
દીકરાઓ ડૉક્ટરને પૂછે છે:
‘કેટલા દિવસ?’
‘કેટલો ખર્ચ?’
મા
ભગવાનને પૂછે છે:
‘મારા દિવસ લઈ લે,
એના આપી દે.’
ત્રીજે દિવસે
ડૉક્ટર બહાર આવ્યા
ને કહ્યું:
‘ચમત્કાર થયો.’
દીકરાઓએ
દવાની કંપનીનું નામ પૂછ્યું.
માએ
કોઈને કશું ન પૂછ્યું —
ચૂપચાપ
માળાનો છેલ્લો મણકો
આંખે અડાડ્યો.
– પરાગ રતનપરા