દાવ
પાંચ પત્તાં હાથમાં છે, જિંદગીનો દાવ છે,
કોણ જીતે, કોણ હારે? બંદગીનો દાવ છે.
આરતી ટાણે ય ભગતો તીન-પત્તી ખેલતા,
જન્મની આ રાત પણ બસ દિલ્લગીનો દાવ છે.
શેરમાં નાખ્યું બધું, ઘર, ખેતરો, ગાડાં, ગમાણ,
ચાર્ટ તો ચડ-ઊતરે, પણ આદમીનો દાવ છે.
એક નજરે સર્વ હાર્યો, તોય હસતો આજ પણ,
જીતવું આ હારવામાં, આશિકીનો દાવ છે.
ફૂલ જાણે છે, ખરી જાવું, છતાં ખીલે, ‘પરાગ’,
સાંજ ખરવાની ખબર છે, તાજગીનો દાવ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #જુગાર #જન્માષ્ટમી #જિંદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #LifeIsAGamble #Janmashtami #StockMarket #ParagRatanpara