ચૂપ છે
બે અબોલા, ને હવે તો આજ ઝાંઝર ચૂપ છે,
સાંજથી ના કોઈ આવ્યું, દ્વાર-ઉંબર ચૂપ છે.
બેઉ સૂતાં પીઠ ફેરી, એક ઓશીકા ઉપર,
ને વચોવચ સળ પડેલી એક ચાદર ચૂપ છે.
વાંક કોનો હોય એ શોધ્યા કરે બંને જણાં,
હોઠ બંનેના બિડાયા, પણ ન અંતર ચૂપ છે.
ચા તણો પ્યાલો ધરીને આંખથી માગી ક્ષમા,
ને હવે ઝઘડા વિશે આખું ય પાદર ચૂપ છે.
ફૂલ ને ભમરો ય રીસાયેલ, જો તો, ઓ ‘પરાગ’,
બાગમાં ગુંજન નથી, આખું સરોવર ચૂપ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અબોલા #દાંપત્ય #રિસામણાં #મનામણાં #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentTreatment #MarriedLife #LoversQuarrel #MakingUp #ParagRatanpara