ચિતાનાં લાકડાં
ચિતાનાં લાકડાં
ગોઠવતાં ગોઠવતાં
મને યાદ આવ્યું —
આ જ હાથે
પિતાએ
મારા માટે
લાકડાનો ઘોડો બનાવ્યો હતો,
લાકડાની તલવાર,
ને લાકડાની
નાનકડી ખુરશી.
આજે
હું એમના માટે
છેલ્લું
લાકડાનું ઘર ગોઠવું છું.
ભડકો થયો.
ધુમાડો આકાશે ગયો.
કોઈએ કહ્યું:
‘આત્મા મુક્ત થયો.’
મને લાગ્યું,
પિતા
છેલ્લી વાર
મને કંઈક ઘડતા ગયા —
આ વખતે
લાકડામાંથી નહીં,
આગમાંથી.
– પરાગ રતનપરા