← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૬૬૬–૯૬૯૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૬૬૬.
ઓસરીમાં બાપુજીની લાકડી ઊભી હજી,
ઘર બધું એના જ ટેકે ચાલતું આજે ય પણ.

૯૬૬૭.
ફોનમાં મિત્રો હજારો, ને સલામો રોજની,
તાવ આવ્યો તો ખબર પૂછી પડોશીએ જ બસ.

૯૬૬૮.
એક ટીપું આંસુનું, ને સાગરો ખારા થયા,
કેટલું ભારે હશે એ, કોણ એને જોખશે?

૯૬૬૯.
દીકરી ગઈ સાસરે, ને મૌન આખું ઘર થયું,
એક ઝાંઝર ઝૂલતું ખીંટી ઉપર, બોલે નહીં.

૯૬૭૦.
ચાંદ પણ થાક્યો હશે, જાગ્યો હતો એ એકલો,
તો સવારે આંખ મીંચી એ ઢળી ઊંઘી ગયો.

૯૬૭૧.
રોટલાની શોધમાં તો ગામ છોડ્યું’તું અમે,
ફ્લેટમાં છે રોટલી, ને ભૂખ ગામે છે હજી.

૯૬૭૨.
આજ ચકલી પૂછતી’તી: ‘ક્યાં ગયું એ આંગણું?’
શું કહું? ત્યાં આજ ઊભી કાર કેરી હાર છે!

૯૬૭૩.
આયનો તો રોજ સાચું બોલતો, તોયે જુઓ,
આપણે બસ આયનો લૂછ્યો, ન લૂછ્યું મોં કદી.

૯૬૭૪.
બીજ વાવ્યું ખેતરે, ને ત્યાં કરજ ઊગી ગયું,
આ ખરે ખેતી હતી કે ખેલ મોટો દાવનો?

૯૬૭૫.
મંચ પરથી એ ‘ગરીબી’ પર ઘણું ગાજ્યા સદા,
એમની ગાડી ગરીબોને કચડતી નીકળી.

૯૬૭૬.
આ પરાગે તો જરા બસ ફૂલને ચૂમ્યું હતું,
ને ગલીમાં ઘર બધાં એ મ્હેકથી છલકાઈ ગ્યાં.

૯૬૭૭.
બા હતાં ત્યાં લગ ઘડીનું કામ શું’તું ઘર મહીં?
એ જ કે’તી: ‘સાત વાગ્યા, ઊઠ, બેટા, જા નિશાળ!’

૯૬૭૮.
ગામનો કૂવો સુકાયો, તોય ઊભો છે હજી,
જેમ દાદા ઓટલે બેઠા, ભલે ના કો’ મળે.

૯૬૭૯.
પ્રેમના પત્રો બધા ફાડ્યા, ઉડાડી રાખ પણ,
તોય વરસાદે ફરી ઊગી ગયા અક્ષર બધા.

૯૬૮૦.
એક દીવો બાળવાનો કેટલો મોટો ગુનો!
રાત આખી આંધળા સૌ લોક ઠપકો દઈ ગયા.

૯૬૮૧.
તું હતી તો ઘર હતું, ને તું નથી તો છે મકાન,
ભીંત એની એ જ છે, બસ શ્વાસ એમાંથી ગયો.

૯૬૮૨.
જીમમાં જઈ રોજ ‘ટ્રેડમિલ’ પર હું દોડ્યા કરું,
ને પછી સ્કૂટર ઉપર હું દૂધ લેવા નીકળું.

૯૬૮૩.
તું મળી ત્યારે થયું, હું આજ આખો થઈ ગયો,
તું ગયાં ત્યારે થયું, અડધો ય ન્હોતો હું કદી.

૯૬૮૪.
કોણ બોલ્યું કે નદી સાગર મહીં ખોવાય છે?
એ જ તો વાદળ બની પાછી વરસતી આભથી.

૯૬૮૫.
બાળપણમાં જે કપાયો’તો કનકવો, એ હજી
કોઈ ઝાડે ફરફરે છે આજ પણ મારે જ નામ.

૯૬૮૬.
મંદિરે ઈશ્વર ઉદાસીમાં ય બેઠા છે, જુઓ,
ભક્ત સૌ માગે બધું, ના કોઈ પૂછે ‘કેમ છો?’

૯૬૮૭.
એક બાળક ભીખ માગે હાથમાં ફુગ્ગા ધરી,
ફૂટતાં રડવું, ન ફૂટે તોય ભૂખ્યું ઊંઘવું.

૯૬૮૮.
આ પરાગે ગીત ગાયું, ફૂલ સૌ ડોલી ગયાં,
ને ભમર બોલ્યો: ‘અરે, આ ધૂન તો મારી જ છે!’

૯૬૮૯.
સાંજ પડતાં બાપુ જઈને બાંકડે બેસી રહે,
બાંકડો ઘરડો થયો, ને રાહ પણ ઘરડી બની.

૯૬૯૦.
સ્ટેશને ઊભી રહી મા, હાથ ઊંચો ક્યારનો,
ટ્રેન ચાલી ગઈ, છતાં એ હાથ નીચે ના પડે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખલાજ ઊડી ગઈઆગલો લેખ →છૂટા શેર ૯૬૯૧–૯૭૧૫