← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૯૩૬–૮૯૭૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૯૩૬.
અહીં આ ગામમાં બાકી, વડીલોમાં હવે વડલો,
ઉભો છે રાહ જોતો, કોણ પાછું આવશે ક્યારે.

૮૯૩૭.
તમે આવ્યા, ઘડી બેઠા, ઉઠીને તો ગયા પાછા,
હજી ખુરશી ઉપર બેઠી, તમારી હૂંફ ગમતીલી.

૮૯૩૮.
ભલે મંદિર ગયો ના હું, ભલે ના ઘંટ વાગ્યો પણ,
મને મા એ જ દેખાતી, ખુદા જેવી હસે ત્યારે.

૮૯૩૯.
નવી ગાડી, નવું ઘર ને નવા કપડાં, નવું સઘળું,
પુરાણો હું, પુરાણો ડર, પુરાણું મન, થકેલું દિલ.

૮૯૪૦.
પરાગે ફૂલને પૂછ્યું: ‘હસે છે કેમ આ રીતે?’
કહે: ‘ખરવું જ છે નક્કી, ખરું હસતાં, ખરું ગાતાં.’

૮૯૪૧.
ઘણા ઊંચા થયા માણસ, ગગનચુંબી ઇમારતમાં,
છતાં ધરતી ઉપર ચાલી શકે, એવા જડે ક્યાં છે?

૮૯૪૨.
ભલે નાનો, ભલે કાચો, દિવો તો આંખ દેખાડે,
અહંનો મ્હેલ મોટો પણ, પવન આવે, ધ્રુજારી છે.

૮૯૪૩.
લખી ચિઠ્ઠી, ગડી વાળી, ફરી ખોલી, ફરી વાંચી,
પછી ફાડી, પછી ભેગી કરી રાખી તિજોરીમાં.

૮૯૪૪.
હતી પાટી, હતી પેનો, હતી શાળા, હતું ઘર પણ,
હવે શાળા ય સ્ક્રીનોમાં, અને મિત્રો ય ઘર બેઠા.

૮૯૪૫.
નદી કાંઠે ઉભો એક જ, ઘડો લઈ, કોઈ ગોવાળો,
હતી જમના, હતી આંખો? ન સમજાયું, ઘણું વહ્યું.

૮૯૪૬.
વળાવી દીકરી, ત્યારે પિતાની આંખ હસતી'તી,
પછી આખી નિશા જાગી, ઝુલાવી પારણું ખાલી.

૮૯૪૭.
ગરીબીમાં ય હસવાનું, અમીરીમાં ય રડવાનું,
મને સમજાઈ ગઈ આજે, બધી મનની જ માયા છે.

૮૯૪૮.
ભલે ઠંડી હવા વાતી, ભલે ધુમ્મસ છવાયું હો,
તને મળવા જવું છે તો શિયાળો પણ વસંતી છે.

૮૯૪૯.
ધરમ પૂછો નહીં એનો, ઉભું છે પેટ ભૂખ્યું બસ,
ન રોટીનો ધરમ હોયે, ન પાણીને કશો વાડો.

૮૯૫૦.
કદી સૂરજ બનીને હું બળું આખો દિવસ, તો પણ
બપોરે એક છાંયો શોધતો'તો ઝાડ નીચે હું.

૮૯૫૧.
પરાગે મૌન રાખીને ગઝલ આખી લખી નાખી,
પવન આવ્યો, ઉઠાવીને બધે મ્હેકાવતો ચાલ્યો.

૮૯૫૨.
અમે માગ્યો હતો ચપટી ભરીને સ્નેહ, ઓ ઈશ્વર,
તમે દરિયો ધરી દીધો, હવે તરતાં ન આવડતું.

૮૯૫૩.
હજી પણ બા ઉનાળામાં, ભરે બરણી અથાણાંની,
ભલે ના કોઈ ખાનારું, છતાં સ્વાદે મહેકે ઘર.

૮૯૫૪.
પડી વરસાદની હેલી, તિરાડે ઘાસ ઊગ્યું'તું,
અમે પણ એટલું શીખ્યા, તિરાડે જીવવું રાજી.

૮૯૫૫.
જુઓ, આ ‘સેલ’ લાગ્યું છે, પચાસ ટકા ઉપર ઓફર,
અમે ખાલી કરી જૂનું, ફરી ભરતા ગયા કચરો.

૮૯૫૬.
તમારા શ્હેરમાં રસ્તા ઘણા લાંબા, ઘણા ચોડા,
અમારા ગામની કેડી ખરી, જે ઘર સુધી જાતી.

૮૯૫૭.
મને તું યાદ આવે ત્યાં, ઝરૂખે ચાંદ આવીને
બધી બારી ઉઘાડીને, મને ચુપચાપ જોતો'તો.

૮૯૫૮.
ઘણા વર્ષે સખા ભેટ્યો, અમે હસતાં, અમે રડતાં,
અમારાં વર્ષ વચ્ચેનાં ઘડીમાં ઓગળી ચાલ્યાં.

૮૯૫૯.
કહે છે સંત: ‘માયા છોડ,’ ને પોતે મહલ બાંધે,
ગળે સોનું, કરે હીરા, અને આંગળ રતન વીંટી.

૮૯૬૦.
પરાગે ગામ છોડ્યું ને ગયો પરદેશ ધન માટે,
હવે ડૉલર મહેકે છે, ખરી તો ગંધ માટીની.

૮૯૬૧.
દિવાલે છે ઘણા ફોટા, હસે છે સૌ વડીલો ત્યાં,
અમે નીચે ઉભા લડતા જમીં માટે, ઘરો માટે.

૮૯૬૨.
ઘણી વાતો હતી કરવી, ઘણાં ગીતો હતાં ગાવાં,
તમે આવ્યા, અમે તો બસ ઉભા રહ્યા, થયા મૂંગા.

૮૯૬૩.
ખરે જો પાંદડું, તો ડાળ ના દુઃખી થતી ક્યારે,
ખરે જો એક માણસ, તો ઘરે વર્ષો સુધી રોણાં.

૮૯૬૪.
ન સરનામું, ન નકશો કે, ન તો ઓળખ, ન તો રસ્તો,
છતાં માની દુઆઓ તો મને દરરોજ મળતી'તી.

૮૯૬૫.
હવે બાળક રમે ક્યાં છે? ગલી સૂની, પડી રેતી,
બધાં બચ્ચાં રમે ફોને, થયું આખું જગત ખાલી.

૮૯૬૬.
કદી ના ઢાલ ઝાલી કે કદી તલવાર ના તાણી,
કલમ લઈને લડું છું હું, હજારો જંગ જીતું છું.

૮૯૬૭.
અમારાં આંસુ ગણવામાં, ગણતરીઓ પડી ઓછી,
તમે મોતી ગણો જેને, અમારાં આંસુ એ તો છે.

૮૯૬૮.
પરાગે બાગમાં જઈને, ન ફૂલો કે ન પર્ણો પણ,
હવા સૂંઘી, હસી લીધું, જરા ઝૂમ્યો, ગયો પાછો.

૮૯૬૯.
તમે ઘડિયાળ સોનાની પહેરી'તી, સમય ના'તો,
ન'તી ઘડિયાળ અમ પાસે, સમય સઘળો અમારો'તો.

૮૯૭૦.
ગયો મેળે, ઘણું જોયું, ઘણા ફુગ્ગા, ઘણી ફિરકી,
બધું ભૂલ્યો, પિતાની આંગળી સાથે જ જીવું છું.

૮૯૭૧.
હવે ચૂલો નથી, ભૂંગળ નથી ધૂમો, નથી તાપો,
રસોડે ગૅસ છે, તો પણ, ન રોટી મા સમી મીઠી.

૮૯૭૨.
ગમે તેવી અમાસો હો, ઉગે છે એક તારો તો,
ગમે તેવી ઉદાસી હો, બચે છે એક સ્મિત તો પણ.

૮૯૭૩.
પરાગે ફૂલ થઈ જોયું, પરાગે ભ્રમર થઈ જોયું,
બધે એવી મધુરતા, ને બધે એવી તરસ મીઠી.

૮૯૭૪.
તમારી યાદનાં વાદળ, વરસતાં રાતભર આંખે,
ભલે છત્રી ધરી ચાલું, સવારે તો ય ભીંજાતો.

૮૯૭૫.
નથી પૂજા, નથી માળા, નથી જપ કે નથી તપ પણ,
ધરું છું રોટલો ભૂખ્યા જનોને, હાથ જોડીને.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૮૬૬–૮૯૩૫આગલો લેખ →છૂટા શેર ૮૯૭૬–૯૦૦૫