છૂટા શેર ૮૧૧૬–૮૧૪૦
૮૧૧૬.
હજી પણ ગામના પાદર ઉપર ઊભો અડીખમ વડ,
નથી ઝૂલા, નથી બાળક, છતાં એ છાંયડો આપે.
૮૧૧૭.
તમારા આવવાની વાતથી ઘર ઝળહળી ઊઠ્યું,
હજી આવ્યાં નથી, ને બારણે તોરણ ઝુલાવ્યાં મેં.
૮૧૧૮.
હજારોની ઘડી હાથે, સમય ક્યાં છે, કહો, કોને?
ફકીરો પાસ ઘડિયાળો નથી, તોયે નિરાંતે છે.
૮૧૧૯.
પરાગે વાયરા સાથે કરી છે મિત્રતા એવી,
હવે જે ગામ જઈએ ત્યાં, અમારું નામ મ્હેકે છે.
૮૧૨૦.
સવારે યોગ ને દોડ્યો, બપોરે ઘાસ ચાવ્યું મેં,
અને સાંજે જલેબીએ મને સઘળો હરાવ્યો, ભઈ!
૮૧૨૧.
છબીમાં બા હસે છે, આજ પણ ગોખે બળે દીવો,
હતી ત્યારે ઝઘડતો'તો, હવે એકલપણે ઝૂરું.
૮૧૨૨.
નથી ગમતું, છતાં હસવું પડે છે રોજ દફતરમાં,
કમાવું પેટ માટે, ને ખુશામત બૉસની કરવી.
૮૧૨૩.
ગરીબીમાં ય ખુદ્દારી હતી ઊભી પિતાજીમાં,
ભલે ઝભ્ભો ફટેલો, ચાલ એની રાજવી જેવી.
૮૧૨૪.
પરાગે જિંદગીભર ફૂલની સેવા કરી સાચી,
ભ્રમર લૂંટી ગયા મધને, ગવાયાં ગીત ફૂલોનાં.
૮૧૨૫.
ઉઘાડા બારણે બેસી, ગણે છે બા સિતારાઓ,
ખબર છે, એક તારો તો ગયો છે દીકરો થઈને.
૮૧૨૬.
દરશને દેવના આવ્યા, નજર તો ફોનમાં ઝૂકી,
હસી ભગવાન બોલ્યા કે, મને પણ ટૅગ તો કરજો!
૮૧૨૭.
સમંદરને મળીને પણ નદી પાછી નથી વળતી,
ખરો તો પ્રેમ એ, જેમાં મટી જાવું પડે ખુદને.
૮૧૨૮.
દવાખાનું ચમકતું, ને બિલો આકાશથી ઊંચાં,
દવાથી રોગ ભાગ્યો, પણ બિલે બેહોશ થ્યો દરદી!
૮૧૨૯.
પરાગે પાંખ પામી, પણ પવન ચોખ્ખો હવે ક્યાં છે?
ધુમાડે શ્હેરના મ્હેકી શકે ના ફૂલ પણ ભઈલા.
૮૧૩૦.
હતાં ખાબોચિયાં, હોડી હતી, ને સાથ બચપણનો,
હવે વરસાદ પડતાં, બસ, મને ટ્રાફિક જ દેખાતો.
૮૧૩૧.
ઘણા સંબંધ ઓઢીને ફરું છું હું ય મેળામાં,
છતાં એકાંત બેઠું છે ખભા પર હાથ મૂકીને.
૮૧૩૨.
નિશાળે માસ્તરે દીધી હતી સોટી હથેળી પર,
હવે સમજાય છે, એણે હથેળી-રેખ દોરી'તી.
૮૧૩૩.
સમયની રેતમાં સૌ નામ લખતા, ને પવન ભૂંસે,
ટકે છે એ જ, જે નામો હૃદયમાં કોતરાયાં છે.
૮૧૩૪.
પરાગે ઘાસને પૂછ્યું, ‘નમે છે શીદ કાયમ તું?’
કહે, ‘તોફાનમાં ઝૂકે, બચે છે એ જ, ઓ ભઈલા!’
૮૧૩૫.
ભલે લોકો કહે ‘ગાંડી’, રમે મીરાં સદા રંગે,
ભરેલો વિષ તણો પ્યાલો, થયો અમરત, સખી, નામે.
૮૧૩૬.
હતાં ભાષણ ઘણાં લાંબાં, ગયાં વરસો, ન આવ્યો રોડ,
ફરી નેતા પધાર્યા છે, હવે ખાડા ગણાવે છે!
૮૧૩૭.
હજી બાવો બની વડલો, નદી કાંઠે ધરે ધૂણી,
જટામાં છે વિહગનાં ઘર, ચરણમાં ગાયનો વાસો.
૮૧૩૮.
તને ગમતી નથી ગઝલો, છતાં હું રોજ લખતો'તો,
ખરું તો એ બહાને, ને તને હું સાદ દેતો'તો.
૮૧૩૯.
પરાગે બાગમાં જોયું, કળીઓ ખીલવા તરસે,
ઉતાવળ ના કરો, એ સૂર્ય પોતે ખોલશે ધીમે.
૮૧૪૦.
ઘણાં વર્ષો પછી આવ્યો, ગલી પણ ઓળખે છે ક્યાં?
હતો એ લીમડો, બોલ્યો: ‘હવે આવ્યો? ભલે આવ્યો!’
– પરાગ રતનપરા