← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૭૭૧–૮૦૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૭૭૧.
પિતા ઝાડ જેવા, ન બોલે કશું યે,
સહી તાપ, આપ્યો સદા છાંયડો બસ.

૭૭૨.
હવે ઘર ઘણાં છે, ઘણાં ઓરડાં પણ,
નથી ઓસરી, ને નથી ચોક, ફળિયું.

૭૭૩.
ઘણી ભીડ છે, તોય એકાંત ઘેરું,
નગર નામના આ રણે હું ભટકતો.

૭૭૪.
નથી ઈશ પાષાણમાં, તીરથે પણ,
જમાડો ગરીબો, મળે ત્યાં જ ઈશ્વર.

૭૭૫.
હતી બા, હતી વારતા, ને હતી રાત,
હવે સ્ક્રીન છે, ને ઉદાસી ઘણી છે.

૭૭૬.
કદી ફૂલ થઈને, કદી કંટકો થઈ,
સમય રોજ નવલા જ પાઠો ભણાવે.

૭૭૭.
પરાગે સુગંધો જ વેરી બધે, ને
હવામાં ભળી નામ પણ ના બચાવ્યું.

૭૭૮.
પરાગે ન માગ્યું કદી કોઈ પાસે,
હવાની કૃપાને વહેંચી બધામાં.

૭૭૯.
ગયો ત્યાં હતાં જ્યાં નદીમાં કમળ, પણ
હવે ત્યાં તરે છે ગટરના ધુમાડા.

૭૮૦.
અમે લાખ સપનાં સજાવ્યાં નયનમાં,
પરોઢે થયાં ઓસ, ઊડી ગયાં સૌ.

૭૮૧.
સગાં સૌ પધાર્યાં, હતું બેસણું ત્યાં,
પછી વીલ ખૂલ્યું, થયા ધૂમ ઝઘડા.

૭૮૨.
ભલે લાખ જીતો, ભલે તાજ ધારો,
અહીં અંતમાં તો બધું ધૂળ થાશે.

૭૮૩.
તમે મૌન રાખો, અમે સાંભળીશું,
નયન તો તમારાં ઘણું બોલનારાં.

૭૮૪.
ગરીબી જ દે છે અમોને શિખામણ:
મળે રોટલી અર્ધ, તો ભાગ કરવા.

૭૮૫.
મને ગામની ધૂળ આજે ય ગમતી,
ભલે અત્તરો હું લગાવું નગરમાં.

૭૮૬.
ભલે ના મળો, તોય રાહે ખડો છું,
કદી તો પવન લાવશે સાદ તારો.

૭૮૭.
હવે ના લખે કો’ કબૂતર ઉપર ખત,
ફકત ‘સીન’ થઈ ગઈ બધી લાગણીઓ.

૭૮૮.
સવારે ખબર જોઈ, ધ્રૂજી ગયો હું,
અને સાંજ લગ તો બધું વીસરી ગ્યો.

૭૮૯.
નદી તો બધાંને પિવાડે સરીખું,
નથી પૂછતી જાત, ના નામ પૂછે.

૭૯૦.
હતા ઓરડા બે, હતાં સાત જણ, ને
હવે ઓરડા સાત, ને બે જણ ઉદાસ.

૭૯૧.
અમે પાંદડાં જેમ ઊડ્યા પવનમાં,
હવે ક્યાં ઠરીશું, ખબર ના પડે કંઈ.

૭૯૨.
તને ભૂલવા યત્ન કીધા ઘણાયે,
દિવાલે હસે તું, છબી થઈ હજી પણ.

૭૯૩.
પરાગે સુણાવ્યું કળીને: ‘ન રડ તું’,
ભલે તું ખરે, મ્હેક તો છે હવામાં.

૭૯૪.
ઉતાવળ ન કર, છે ઘણો સમય હજુ તો,
નહીં તો સફરનો નજારો ચુકાશે.

૭૯૫.
ઘણાં વર્ષ પરદેશ ગાળી, ગયો ગામ,
ન ઘર, ના સગાં, બસ મળી એક બોલી.

૭૯૬.
નિશાળે પહેલે દિ’ જે આંસુ સાર્યાં,
હવે એ નિશાળે જવા મન રડે છે.

૭૯૭.
ચલો, બે ઘડી સાથ બેસી રહીએ,
પછી તો બધાંને જવાનું જ છે ને.

૭૯૮.
પવન સાથ મારે ન ઝઘડો કશો છે,
પરાગે ઉડીને બધે મ્હેક વેરી.

૭૯૯.
હસીને મજૂરો ઉપાડે જ બોજો,
અને શેઠ જિમમાં ઉપાડે વજન, લો.

૮૦૦.
કદી બાળકોની હથેળી નિહાળો,
ખુદાના બધા લેખ ત્યાં ઝળહળે છે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૭૪૬–૭૭૦આગલો લેખ →છૂટા શેર ૮૦૧–૮૬૫