← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૭૩૦૧–૭૩૩૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૭૩૦૧.
આ પરાગે બાગમાં બસ એક શીખ્યો પાઠ, કે
તોડનારા હાથને પણ મ્હેકથી ભરતો રહે.
૭૩૦૨.
આ પરાગે ઘર ન બાંધ્યું, ગામ પણ છોડ્યું, છતાં
જ્યાં પવન લઈ જાય ત્યાં હર ફૂલ મારું ઘર બને.
૭૩૦૩.
આભમાં ઊંચે ચગાવ્યો, ને પછી કાપ્યો મને,
દોર એના હાથમાં, ને હું ફકત ઊડ્યો હતો.
૭૩૦૪.
આજ પણ એ ગામમાં છે આંબલીનું ઝાડ, પણ
કોઈ ચડતું ના હવે, એ ઝાડ પણ ઘરડું થયું.
૭૩૦૫.
ફોનમાં બોલ્યો: ‘અહીં હું ઠીક છું, બા’, ને પછી
બા પછી એ ‘ઠીક’ શબ્દે રાતભર જાગી રહી.
૭૩૦૬.
રેત પર લખ્યું હતું મેં નામ તારું, ને પછી
એક મોજું લઈ ગયું, ને આજ એ ગાતું ફરે.
૭૩૦૭.
જાનમાં નાચે બધા, ને ઢોલ ગાજે રાતભર,
એક ખૂણે બાપ કન્યાનો ગણે કરજો બધાં.
૭૩૦૮.
ગામ ઊંઘે ચાંદનીની ચાદરે, ને એ સમે
ઝૂંપડીમાં એક જાગે ભૂખ, પડખાં ફેરવે.
૭૩૦૯.
આ પરાગે બાગમાં પૂછ્યું ભ્રમરને: ‘કેમ છો?’
એ કહે: ‘મધ તો મળે, પણ ગંધ ક્યાં પકડાય છે?’
૭૩૧૦.
આ પરાગે જિંદગીનો સાર જાણ્યો એટલો:
મ્હેક વેરે એ જ મ્હેકે, સંઘરે તે તો સડે.
૭૩૧૧.
એ નયનમાં ઊતરું ને ના કદી પાછો વળું,
એ જ ઇચ્છા, એ જ પૂજા, એ જ મારો ધર્મ છે.
૭૩૧૨.
સાંજ પડતાં નીડમાં પાછું વળે પંખી, અને
ઘર તરફ હું પણ વળું, પણ ઘર જ ક્યાં બાકી હવે?
૭૩૧૩.
એક દીવો રાખજે, તોફાન હોયે તોય પણ,
ભૂલનારો કો’ મુસાફર એ જ અજવાળે વળે.
૭૩૧૪.
પાંદડું ખરતું રહે, ને ઝાડ ઊભું સ્તબ્ધ છે,
એ જ રીતે બાપ ઊભો, દીકરી જ્યાં સાસરે.
૭૩૧૫.
આંગણાનો લીમડો કાપ્યો, પછી ત્યાં કાર છે,
એ જ ડાળે જે હતો માળો, હવે ક્યાં? શું કહું?
૭૩૧૬.
ઓઢવાને આભ છે, ને પાથરી છે આ ધરા,
આ ભિખારીનું ય ઘર તો કેટલું મોટું, જુઓ!
૭૩૧૭.
રાસમાં લાગ્યું બધાંને: ‘શ્યામ મારો એકલો’,
એ જ તો લીલા, ગણો તો એક, પણ સૌનો સદા.
૭૩૧૮.
આ પરાગે ધૂળમાં પણ મ્હેક વેરી, તો પછી
ધૂળ ઊડે, તો ગલી આખી ય મ્હેકે, વાહ રે!
૭૩૧૯.
દાળમાં મીઠું વધારે, શાકમાં મરચું ઘણું,
તોય પત્નીના જ હાથે સ્વાદ જે, એ ક્યાંય ના.
૭૩૨૦.
નાનકું ઘર, મન વિશાળાં, સાથ બેઠાં સૌ હતાં,
આજ મોટાં ઘર થયાં, ને સાંકડાં મન થઈ ગયાં.
૭૩૨૧.
ઓટલે બેસી સવારે વાંચતા છાપું પિતા,
આજ છાપે એમનું છે બેસણું, ફોટા સહિત.
૭૩૨૨.
કોઈ પૂછે: ‘કેમ છો?’ ત્યાં હું હસું: ‘સારું બધું’,
કોણ ખોલે રાતની પીડા તણી એ પોટલી?
૭૩૨૩.
ગંગમાં ડૂબી, બધાં પાપો વહાવી આવિયા,
ગંગ પૂછે: ‘મેલ મારો કોણ ધોશે, બોલ તું?’
૭૩૨૪.
આજ પણ ચશ્માં પછીતે એ જ ચંચળ આંખ છે,
પ્રેમથી બા ‘સાંભળો છો?’ પૂછતી, વરસો પછી.
૭૩૨૫.
આ પરાગે શૂળમાંથી પણ સુગંધી તારવી,
ફૂલ સાથે શૂળનો પણ માનવો આભાર છે.
૭૩૨૬.
આંખમાં સપનાં હતાં, ને હાથમાં હિંમત હતી,
જેબ ખાલી, તોય દુનિયા જીતવા ચાલ્યા અમે.
૭૩૨૭.
જેટલી ઊંચી ઇમારત, એટલી ઊંડી તિરાડ,
નામ મોટું થાય જેનું, એ જ માણસ સાંકડો.
૭૩૨૮.
સોયમાં દોરો પરોવી ના શકે, ઝાંખી નજર,
તોય મારાં સ્વપ્ન સાંધે મા, હજી પણ રાતભર.
૭૩૨૯.
ઠોકરો ખાધી ઘણી, ત્યાં આંખ ખૂલી આખરે,
ઠેસ મારી પાઠશાળા, પથ્થરો આચાર્ય છે.
૭૩૩૦.
વૃક્ષ વાવ્યું બાપુએ, ફળ પૌત્ર ખાતો આજ, ને
છાંયડો આખા ય ઘરનો બાપુ જેવો શાંત છે.
૭૩૩૧.
કોઈ મંદિર, કોઈ મસ્જિદ, કોઈ દરગાહે ગયું,
બાળકે માની નજરમાં ઈશ જોયો સામટો.
૭૩૩૨.
બાળકો મોટાં થયાં, ને ઘર થયું નાનું હવે,
ઓરડે તાળાં બધે, ને ઓટલે સૂતા પિતા.
૭૩૩૩.
આ પરાગે મ્હેકને બાંધી નહીં ક્યારેય, ને
એટલે તો એ હવાની સાથ ઘરઘર જઈ શકી.
૭૩૩૪.
દીકરી જન્મી હતી ત્યારે બધા મૂંગા હતા,
આજ એના નામથી તો ગામનું પણ નામ છે.
૭૩૩૫.
આમ તો દરરોજ મળતા, તોય ના મળતા કદી,
એક છત નીચે છતાં, વચ્ચે હતા જોજન ઘણા.
– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૭૨૬૬–૭૩૦૦આગલો લેખ →છૂટા શેર ૭૩૩૬–૭૩૮૫