છૂટા શેર ૭૦૬–૭૪૫
૭૦૬.
હવે ફોનમાં છે હજારો સ્વજન, પણ
મળે ના ખભો એક રડવા જ માટે.
૭૦૭.
પિતાજી ગયા, તોય ખોંખાર એનો
હજી ઓસરીમાં પડે છે સવારે.
૭૦૮.
નદી પાર કરવા અમે નાવ શોધી,
ખબર ના પડી કે, હતા ખુદ કિનારો.
૭૦૯.
હતી ઝૂંપડી, તોય મોટું હતું મન,
હવે મ્હેલ છે, પણ હૃદય સાંકડાં છે.
૭૧૦.
ફરી એ જ શેરી, ફરી એ જ પીપળ,
ફરી એ જ હું, પણ ન એ બાળપણ છે.
૭૧૧.
કદી આંસુ પણ શબ્દ થઈને ઝરે છે,
કદી શબ્દ પણ મૌન થઈ જાય ઊંડે.
૭૧૨.
નથી બા, ન ચૂલો, ન રોટી મજાની,
હવે ફ્રીજ ભરિયું, બધું સાવ વાસી.
૭૧૩.
ગરીબી હતી, તોય ઊંઘ્યા નિરાંતે,
હવે ગાદલાં પર સુવાડે દવાઓ.
૭૧૪.
તમે ઓળખાણો બનાવી બધે, પણ
તમારી જ ઓળખ તમે ખોઈ બેઠા.
૭૧૫.
હવે બાળ સૌ ફોનમાં ખેલતાં, ને
ગલીની રમત તો ઉદાસી ભરે છે.
૭૧૬.
વિદાયે પિતા સાવ પથ્થર સમા’તા,
પછી રાતભર એ જ પથ્થર રડે છે.
૭૧૭.
ઉદાસી હતી, તોય ગીતો ગવાયાં,
ગઝલ એમ જન્મી સદા ઘાવમાંથી.
૭૧૮.
પરાગે ઉડી આભ આખું નિહાળ્યું,
છતાં ડાળ પરનું જ ફૂલ ઘર લાગ્યું.
૭૧૯.
દિવાળી પતી, ને ગયા સૌ ફટાકા,
રહી બારણે માત્ર કચરો જ ઢગલે.
૭૨૦.
અમે ટાળતા’તા બધું કાલ માથે,
હવે કાલ પોતે અમોને જ ટાળે.
૭૨૧.
સભામાં ગયો, ત્યાં બધા બોલતા’તા,
અને સાંભળે, એ ન એકે જ મળિયો.
૭૨૨.
ઘડી બે ઘડી બેસ, ઓ જિંદગાની,
પછી દોડશું, તું ય ને હું ય સાથે.
૭૨૩.
નદીની જ પેઠે વહેવું, ન જોવું,
સમંદર મળે કે મળે ના, ભલે ને.
૭૨૪.
ફકીરે ત્યજી સૌ, હસી ગીત ગાયું,
અમીરો ભરે ઝોળ, તોયે રડે છે.
૭૨૫.
અમે સાચ બોલ્યા, હસી ગામ પડતું,
અમે જૂઠ બોલ્યા, બજી ખૂબ તાળી.
૭૨૬.
મને ચાંદ પાસે જવાનું ન ગમતું,
ઝરૂખો તમારો જ આકાશ મારું.
૭૨૭.
સરહદે સિપાહી ખડો રાતભર જ્યાં,
ઘરે માવડી રોજ દીવો કરે છે.
૭૨૮.
ગરીબો તણી ઝૂંપડીએ વસે ઈશ,
ફકત ત્યાં કદી કોઈ ઘંટો ન વાગે.
૭૨૯.
કલમ હાથમાં ને હૃદયમાં તમે છો,
લખું શું? લખાયું બધું ક્યારનું, લે.
૭૩૦.
અમે વૃક્ષ વાવ્યાં, ન છાંયો જ પામ્યા,
અમારાં જ પૌત્રો હવે ત્યાં રમે છે.
૭૩૧.
હવે ઊંઘમાં પણ મને બા પુકારે,
હજી બાળપણ ક્યાંક સૂતું હશે ત્યાં.
૭૩૨.
ગયો રોજ જિમમાં, વજન તો ન ઘટિયું,
ફરી ઘેર આવી પતાવ્યાં સમોસાં.
૭૩૩.
કદી ઠેસ વાગે, કદી ફૂલ મળશે,
સફરમાં બધાંનો હિસાબ જ ન રાખો.
૭૩૪.
અમે આંસુ લૂછ્યાં જગતનાં સદાયે,
અમારી જ આંખો ન લૂછી કદી કોઈ.
૭૩૫.
હતા ગામમાં વડ, હતા લાખ પીપળ,
હવે ત્યાં ખડા છે ફકત વીજથાંભા.
૭૩૬.
ન તોડો કળીઓ, ન ચૂંટો ગુલાબો,
પરાગે ભરી ડાળ, ત્યાં મ્હેકવા દો.
૭૩૭.
તમારો ઋણી છું, મને ઘાવ દીધા,
હવે ઘાવ મારાં ઘરેણાં થયાં છે.
૭૩૮.
ખિસાં છે ભરેલાં, તિજોરી ભરેલી,
છતાં મન ભિખારી બની ને ફરે છે.
૭૩૯.
ભલે ના મળી મંઝિલો, પણ મજા’તી,
સફરમાં હતી, ને હતી ધૂળમાં પણ.
૭૪૦.
સમય પર ન આવે, ન જાયે સમય પર,
અમારી બસો જેમ, સરકાર ચાલે.
૭૪૧.
દિવાને ખબર શી, સવારે થયું છે,
હજી એ બળે છે, હજી રાહ જોતો.
૭૪૨.
વિના વાંક મા રોજ માફી જ માગે,
પિતા ના કદી ભૂલ માને જ પોતે.
૭૪૩.
તમે ભીંત ચણતા ગયા આંગણામાં,
અમે તો ઉઘાડ્યાં બધાં દ્વાર, બારી.
૭૪૪.
અમે કાગળે ચીતરી એક ચકલી,
હવે બાળ એને ચિતરમાં જ ભાળે.
૭૪૫.
ઘણાં તીરથે ને ઘણાં જંગલોમાં,
ખરી શાંતિ માની જ ગોદે મળી’તી.
– પરાગ રતનપરા