છૂટા શેર ૬૬–૧૩૫
૬૬.
ઘર બદલતાં આયખું આખું ગયું, ને અંતમાં
ચાર ખાંધે ઊંચકી લઈ ગ્યા મને છેલ્લા ઘરે.
૬૭.
બાળપણમાં ચાંદ મામા, ને જુવાનીમાં સનમ,
ઘડપણે એ ચાંદ માથે ટાલ થઈ ચમકી ગયો.
૬૮.
ઝાડને પૂછ્યું: ‘કુહાડી પર તને ગુસ્સો નથી?’
ઝાડ બોલ્યું: ‘મુજ સમો એનો ય હાથો છે, સખા.’
૬૯.
કોણ બોલ્યું ઝૂંપડીમાં હોય છે અંધાર બસ?
એક દીવો, ને હજારો હાસ્ય ત્યાં ઝળહળ થતાં.
૭૦.
રાતભર જાગી લખેલો પત્ર ફાડ્યો જે ઘડી,
સત્ય જે એમાં હતું, તે ધૂળ થઈ ઊડી ગયું.
૭૧.
આંગણાનો એ જ ક્યારો, જ્યાં હતી તુલસી સદા,
ત્યાં જ આજે પાટિયું: ‘આ ઘર હવે વેચાય છે’.
૭૨.
લોક પૂછે: ‘શું કમાયો જિંદગીભર, બોલ તું?’
હું કહું: ‘બે-ચાર આંખો, જે મને જોતાં હસે.’
૭૩.
બાપુની તસવીર ટાંગી ભીંતની ખીલી ઉપર,
ત્યારથી ઘર આ ટકેલું એ જ ખીલીથી હવે.
૭૪.
આંખ મીંચું તો મળે તું, ને ઉઘાડું તો જગત,
એટલે તો રાત મારી દિવસથી પણ છે સરસ.
૭૫.
શબ્દ મારા ના છપાયા, ના ગયા મંચે કદી,
ઓશિકે માના પડેલી ડાયરીમાં ઊંઘતા.
૭૬.
ચાડિયો ઊભો રહે ખેતર મહીં, થાકે નહીં,
ને અમારી ઓફિસોમાં ચાડિયાઓ થઈ ગયા.
૭૭.
વૃક્ષ ઊભું છે અડીખમ, મૂળ ઊંડાં છે ધરે,
આપણે ઊંચે ગયા, ભૂલી ગયા મૂળો બધાં.
૭૮.
ફોનમાં સો મિત્ર છે, ને પાંચસો ‘ફોલોઅર’ પણ,
રાતના ખાંસી ચડે, તો કોણ પાણી આપશે?
૭૯.
દીકરી ગઈ સાસરે, ને ઓરડાઓ ચૂપ છે,
કે હવે ઘડિયાળનો પણ શોર ખૂંચે છે મને.
૮૦.
ગામ છોડ્યું તે ઘડી મેં ધૂળ થોડી સંઘરી,
આજ પણ પરદેશમાં એ ધૂળ ઓશીકું બને.
૮૧.
નોટ પર ગાંધી હસે છે આજ પણ, ને એ જ નોટ
લાંચમાં ફરતી રહે, ને ‘સત્ય’ પર ભાષણ થતાં.
૮૨.
આ પરાગે ફૂલમાંથી મધ ન લીધું, મ્હેક પણ,
ફૂલને અડકી ગયો, ને ફૂલ તો ફળ થઈ ગયું.
૮૩.
વાદળો તો રોજ આવે, ને પવન પણ રોજ, પણ
ખેડુની નજરે સદા ચાતક બની જાગ્યા કરે.
૮૪.
દેવ બોલ્યા: ‘હાથ જોડી કેમ ઊભો છે, ભલા?
હાથ જોડ્યે ખેતરે હળ કોણ ખેડે? બોલ તું!’
૮૫.
સાંજના ભાગોળ ગામે ગાય-ધણની ધૂળ છે,
ને નગરમાં સાંજ ટાણે ધૂમ્ર ગાડીઓ તણો.
૮૬.
તું ગયો, ને આ ઘરે ભીંતો ય મૂંગી છે હવે,
એ ય જાણે, દર્દ ઊંડું હોય ત્યાં વાચા નથી.
૮૭.
કાગ બોલ્યો મોભ પર, ને બા કહે: ‘મે’માન છે!’
આવવાનું કો’ ન’તું, તોયે સજાવ્યું આંગણું.
૮૮.
દર્શને ગ્યો મંદિરે, ને ચંપલો ચોરાઈ ગ્યાં,
દેવ પાસે શું ઉઘાડે પગ જવું’તું? શું ખબર!
૮૯.
સો વખત પટકાઈને ઊભો થયો, ચાલ્યો ફરી,
ઠોકરો દઈ ગઈ મને એ પાઠ, શું છે દોડવું.
૯૦.
એક પંખી પાંજરામાં ગીત ગાતું રોજ, ને
લોક તાળી પાડતા, ના કોઈ પૂછે દર્દ શું.
૯૧.
ગોળ રોટી ના બની માથી કદી, તોયે, સખા,
એ જ વાંકી રોટલીમાં ગોળ આખું વિશ્વ’તું.
૯૨.
બાળપણમાં રાતભર ગણતો હતો હું તારલા,
આજ ફ્લેટે બંધ બારી, ના ગગન, તારા નથી.
૯૩.
રેત પર બે નામ લખ્યાં, ને સમંદર લઈ ગયો,
એ ય બળતો’તો હૃદયમાં આપણો આ પ્રેમ જોઈ.
૯૪.
ચાર દિનની ચાંદની, ને ચાર દિનનું રૂપ પણ,
પાંચમે દિન સાથમાં બસ એક પડછાયો રહે.
૯૫.
મોત આવ્યું, ને બધું લઈ ગ્યું, કહે છે લોક સૌ,
સૌ પહેલી વાર મારી વાત ગાતાં, શું કહું!
૯૬.
વૃદ્ધ બાપે ફોન પર પૂછ્યું: ‘ઘરે ક્યારે હવે?’
નેટવર્કે સાથ છોડ્યો, ઉત્તરો અટકી ગયા.
૯૭.
સાચ બોલું તો સભામાં એકલો પડતો સદા,
જૂઠ બોલું તો સભા આખી મને માળા ધરે.
૯૮.
વીજળી ઝબકી ગગનમાં, ને હસીને એ કહે:
‘રાત અંધારી હતી, તો ઝળહળી હું પણ શકી.’
૯૯.
ઝાડ કાપ્યાં, કાગળો કીધા, પછી છાપ્યું, ભલા:
‘ઝાડ છે તો શ્વાસ છે’, ને વાહવાહી થાય છે.
૧૦૦.
બાળકે પૂછ્યું મને: ‘ઈશ્વર રહે છે ક્યાં, કહો?’
આયનો સામે ધરીને હું કહું: ‘આ છે ખુદા!’
૧૦૧.
પાંદડું ખરતાં ય ઝાડે આંસુ ના પાડ્યું કદી,
જાણતું, કે આવશે પાછી વસંતો, કૂંપળો.
૧૦૨.
રાજને ઊંચા મિનારા, ને પ્રજાને ઝૂંપડાં,
ચૂંટણીમાં તોય નેતા ઝૂંપડે ઝૂકી પડે.
૧૦૩.
રોજ માળી સીંચતો, તોયે ન એનાં ફૂલ થ્યાં,
ને ભ્રમર આવી, સુગંધો લઈ ગયો, ચાલ્યો ગયો.
૧૦૪.
બાળ જેને તેડતો, એ આજ મુજને તેડતો,
કાલ એનો પુત્ર એને તેડશે, આ ચક્ર છે.
૧૦૫.
કેટલા ઘા પથ્થરે ઝીલ્યા હશે, ઘડતાં ઘડી,
એટલે તો આજ એને લોક પૂજે છે સદા.
૧૦૬.
ત્રીસમા માળે ચડીને એક કડિયો ઝૂકતો,
ઝૂંપડી એની તળે ક્યાં? એ જ દેખાતી નથી.
૧૦૭.
દોસ્ત, આપણ બેઉ વચ્ચે ગેરસમજણનો પહાડ,
માફ કર! — એ શબ્દથી પળમાં થશે એ પાર, ચાલ.
૧૦૮.
દ્વારિકા ચાલ્યા ગયા, ને વાંસળી છોડી ગયા,
રાધિકા ફૂંકે છતાં, એ સૂર નીકળતો નથી.
૧૦૯.
નામ ઘરનું ‘શાંતિ’ રાખ્યું, ને સજાવ્યું બારણું,
રોજ ચાલે છે મહાભારત ઘરે, તે ‘શાંતિ’ ક્યાં?
૧૧૦.
આંસુ ને ઝાકળ સરીખાં, બેઉ ટીપાં ઝળહળે,
સૂર્ય ઊગે, ઓસ ઊડે, આંસુ તો ગાલે રહે.
૧૧૧.
છાપરું ચૂવે, છતાં બાળક ખુશીથી ખિલખિલે,
ગાલ પર ટપકું પડે, ને એ કહે: ‘વરસાદ, મા!’
૧૧૨.
જીભને કડવું ગમે, ને દાંતને મીઠું, છતાં
એક ઘરમાં બેઉ જીવે, ના કદી ઝઘડો કરે.
૧૧૩.
આ પરાગે મ્હેકને ભીતર છુપાવી’તી ઘણી,
પણ પવન જાસૂસ થઈને ગામમાં બોલી ગયો.
૧૧૪.
આ પરાગે શ્વાસ લીધા ફૂલની ભીતર સદા,
એટલે તો આંસુ મારાં પણ સુગંધી થઈ ગયાં.
૧૧૫.
આ નગરની ભીડમાં હું રોજ ખોવાતો ફરું,
જેમ મેળે બાળ ખોયું, શોધતું માને ફરે.
૧૧૬.
રોજ જાઉં નોકરીએ, રોજ પાછો ઘર ફરું,
જિંદગી તો રાહ જોતી, વાટમાં ઊભી રહી.
૧૧૭.
ઓટલો’તો ગામમાં, ને ડાયરો જામે સદા,
ફ્લેટમાં દાદા ય બેઠા, પણ ન ‘બેઠક’ ક્યાંય છે.
૧૧૮.
આયને પૂછ્યું: ‘ઉદાસી કેમ છે આજે, ભલા?’
હું કહું: ‘તું રોજ બોલે જૂઠ, એનો શોક છે.’
૧૧૯.
પર્વતે પાછી વળી ના જે નદી, એ યાદ છે,
એમ મારી દીકરીની યાદમાં ઘર ભીંજતું.
૧૨૦.
ડાયરીમાં એક સૂકું ફૂલ પડ્યું છે હજી,
એ ઉઘાડું, તો હૃદય પણ લાલ થઈ જાતું, સખા.
૧૨૧.
આંસુ સસ્તું પણ, અને મોંઘું ય સૌથી એ જ છે,
મંચ પરનું સાવ સસ્તું, ગાલ પર માના અમૂલ્ય.
૧૨૨.
સત્ય જીતે છે સદા, એવું ભણાવ્યું પાઠમાં,
કૉર્ટમાં તો સત્ય ઊભું, હાથ જોડી હારમાં.
૧૨૩.
રોજ સાંજે બારણે બે આંખ ઘરડી તાકતી,
કોઈ આવે કે ન આવે, રાહ જોવી ટેવ છે.
૧૨૪.
તું મળી, તો આંગણે ખીલી ગયાં’તાં બે ગુલાબ,
તું જતાં તો ઓરડામાં શૂળ ઊગી નીકળી.
૧૨૫.
શત્રુના ઘા તો રુઝાયા, વીતતાં વર્ષો ઘણાં,
મિત્રનો ઘા પીઠ પર, એ આજ પણ તાજો હજી.
૧૨૬.
ડૉલરો હું મોકલું, ને બાપુ બોલે: ‘આવ તું’,
નોટથી ખાલી પડેલો ઓરડો ભરતો નથી.
૧૨૭.
ફૂલ વેચે છે ગલીમાં રોજ છોરી એક, પણ
ફૂલ એના વાળમાં ના ક્યાંય દીઠું મેં કદી.
૧૨૮.
કાગળો કોરા, કલમ ચુપ, શબ્દ પણ રૂઠી ગયા,
એક તારું નામ લખ્યું, ને ગઝલ આખી બની.
૧૨૯.
એક ઘરમાં ચાર જણ, ને ચાર ફોને ચાર જગ,
સંગ બેઠા, પણ બધા છે એકલા, કેવી કમાલ!
૧૩૦.
આભમાં ઊંચે ચડીને ગર્વથી બોલ્યો પતંગ,
દોર બોલી: ‘હાથ મારો છોડજે, તો જાણશે!’
૧૩૧.
મંદિરે ઘંટારવો, ને બાંગ દે છે મસ્જિદો,
બેઉ દ્વારે એક ભૂખ્યો હાથ ફેલાવે સદા.
૧૩૨.
આંધળો બેઠો સડક પર, ગાય છે ભજનો મધુર,
આંખવાળા સૌ ઉતાવળમાં, ગયા આગળ બધા.
૧૩૩.
રાખડી આવી ટપાલે, ભાઈ પરદેશે હતો,
એકલો કાંડે જ બાંધી, ને પછી રોયો હતો.
૧૩૪.
લાકડી પર ભાર દઈને ચાલતો હું આજ, ને
બાળપણમાં લાકડી પર હું ય ઘોડે ઊડતો.
૧૩૫.
આ પરાગે આખરી ઇચ્છા લખી’તી એટલી:
‘રાખ મારી બાગમાં વેરો, ફરી ખીલી શકું.’
– પરાગ રતનપરા