છૂટા શેર ૬૪૧૬–૬૪૪૦
૬૪૧૬.
ગામમાં વરસાદ આવ્યો, છોકરાં ગાતાં થયાં,
ધૂળની ખુશ્બૂ ભળી, ને આંગણે મ્હેક્યું બધું.
૬૪૧૭.
લાકડી લઈ ચાલતાં દાદા કહે છે બાળને:
‘તું જ મારી લાકડી, ને તું જ મારી આંખ પણ.’
૬૪૧૮.
સાસુ-વહુની સીરિયલમાં ઘર બધું ડૂબી ગયું,
ને ઠરેલી દાળ, ને ઠંડી થયેલી રોટલી.
૬૪૧૯.
જાતમાં ડૂબ્યો જરા, તો ત્યાં જ મોતી ઊગિયું,
બ્હાર શોધ્યું જિંદગીભર, ને હતું એ ભીતરે.
૬૪૨૦.
આ પરાગે આંખ મીંચી ફૂલને સૂંઘ્યું જરા,
બાળપણનો બાગ ખૂલ્યો, ને મળી માની સુગંધ.
૬૪૨૧.
ટેન્કરોની રાહ જોતી, બેડલાં લઈ બાઈઓ,
શેઠને ત્યાં રોજ ધોવાતી નવી ગાડી, જુઓ.
૬૪૨૨.
મૌન તારું, મૌન મારું, ને થયો સંવાદ ત્યાં,
શબ્દ વચ્ચે આવતે તો કોણ જાણે શું થતે.
૬૪૨૩.
ઈંટ પર ઈંટો ચણી, ઊંચા ભવન બાંધ્યા ઘણા,
ને મજૂરો તો ય સૂતા રોડ પર, ખુલ્લા તળે.
૬૪૨૪.
આ પરાગે શૂળને પણ મ્હેક ઓઢાડી જરા,
કાંટ પણ શરમાઈ બોલ્યો: ‘આજ હું પણ ફૂલ છું.’
૬૪૨૫.
લાખ લોકોની વચાળે એકલો છું હું સદા,
ભીડમાં હર કોઈ મારી જેમ એકલ ચાલતો.
૬૪૨૬.
રાખડી બાંધી બહેને, ના કશું માગ્યું કદી,
વીર બોલ્યો: ‘સાદ દેજે, આવશે આ વીર તો.’
૬૪૨૭.
ઑર્ડરો કરતી રહે એ, ને પગારો ઓગળે,
પાર્સલો ઘરમાં ઘણાં, ને પાસબુકમાં શૂન્ય છે.
૬૪૨૮.
રાત સૂએ, ને ભલા આ શાયરો જાગ્યા કરે,
ચાંદ સાથે ગામની સૌ વેદના વાંચ્યા કરે.
૬૪૨૯.
આ પરાગે ઓસને પૂછ્યું, ‘ઉતાવળ કેમ આ?’
ઓસ બોલ્યું: ‘પળ ભલે, પણ ઝળહળું છું પૂર્ણ હું.’
૬૪૩૦.
આજ પણ ટકટક કરે છે એ ઘડી દાદા તણી,
એ ગયા, પણ એમનો તો વક્ત આજે ચાલતો.
૬૪૩૧.
આ વરસ વરસાદ આવ્યો, પણ ન આવી તું, સખી,
ખેતરો લીલાં થયાં, પણ હું ઉજડ આ જેઠમાં.
૬૪૩૨.
દેવ પણ વેચાય છે, ને ભક્તિનો વેપાર છે,
બ્હાર બેઠો જે ભિખારી, એ જ સાચો ભક્ત છે.
૬૪૩૩.
મા વિનાની આ દિવાળી, કોડિયાં ઝાંખાં બધાં,
ઘૂઘરામાં સ્વાદ ક્યાં? ને ચાસણી ફિક્કી બધી.
૬૪૩૪.
આ પરાગે બીજ વાવ્યું શબ્દનું, વરસો પછી
કો' અજાણ્યા ગામમાં ઊગ્યો હશે એ છાંયડો.
૬૪૩૫.
આંબલીની ડાળનો એ હીંચકો ક્યાં છે હવે?
ઝાડ કાપ્યું, ને ગયું એની જ સાથે બાળપણ.
૬૪૩૬.
પેપરો ફૂટી ગયાં, ત્યાં ટોપ નકલીઓ થયા,
રાત જાગ્યા જે, બિચારા એ જ નાપાસો થયા.
૬૪૩૭.
ઘાટ પર કપડાં ધુએ છે ગામની સૌ બેનડી,
ને નદી સુણતી રહે સૌ સાસરાની વારતા.
૬૪૩૮.
રાતપાળીથી ફરે છે બાપ, બાળક ઊંઘમાં,
ને જતો જ્યારે ફરી, ત્યારે ય બાળક ઊંઘતું.
૬૪૩૯.
દીપ નાનો છે, ભલે, પણ ઝૂઝતો અંધાર સાથ,
બે ઘડીની જીત, ને એ પણ દિવાળી જાણજો.
૬૪૪૦.
જિંદગી શું છે, જવાબો શોધવામાં એ વહી,
જીવવું, બસ એ જ ઉત્તર, શેષ સઘળા પ્રશ્ન છે.
– પરાગ રતનપરા