છૂટા શેર ૫૭૧૭–૫૭૫૬
૫૭૧૭.
ભલે ઝૂંપડી, બારણું સાવ ખુલ્લું,
ઘણા બંગલે તો હૃદય પર ય તાળું.
૫૭૧૮.
નથી નાવ, તોયે નદી પાર જાવું,
ભરોસો જ મારી હવે નાવ પાકી.
૫૭૧૯.
પિતા ખાટલે ને ઉધારે ઘણું છે,
છતાં દીકરી રોજ હસતી મળે છે.
૫૭૨૦.
વિદેશે ગયો દીકરો, ખુશ ઘણો છે,
અહીં ઓસરીમાં પિતા એકલા છે.
૫૭૨૧.
તમે આવશો, એ જ આશે, સખી, મેં
સજાવેલ આંગણ, ઉઘાડેલ દ્વારો.
૫૭૨૨.
પરાગે ગઝલને ધરી પાંખ એવી,
હવા સાથ ઊડી ગઝલ ગામ ગામે.
૫૭૨૩.
કબાટે જડી એક ચિઠ્ઠી પુરાણી,
હજી એ ગડીમાં ગુલાબી સમય છે.
૫૭૨૪.
નગરમાં બધું છે, બધાં છે, છતાં પણ
નથી કોઈ મારું, નથી હું ય એનો.
૫૭૨૫.
પિતા વડ સમા, ને નદી સમ હતી મા,
ગયાં બેઉ, તો રણ થયું આયખું આ.
૫૭૨૬.
ગરીબી હટાવો, કહે રોજ નેતા,
ગરીબો જ ભાગ્યા, ગરીબી અડીખમ.
૫૭૨૭.
પ્રથમ પ્રેમ જેવું કશું પણ નથી, દોસ્ત,
પછી જે મળે તે બધું એ જ છાયા.
૫૭૨૮.
ચિતા પર જ જાણ્યું, વજન સાવ હળવું,
હતો આયખાભર અહમનો જ ભારો.
૫૭૨૯.
નગરના ધુમાડે છુપાયો ભલે ચાંદ,
છતાં ગામની ઓસરી પર ઉગે છે.
૫૭૩૦.
સમયની નદીમાં બધું યે વહી ગ્યું,
રહી એક માની પ્રતીક્ષા કિનારે.
૫૭૩૧.
પરાગે હવામાં વસાવ્યું નગર એક,
ન ભીંતો, ન તાળાં, ન સીમા, ન ચોકી.
૫૭૩૨.
ભલે મોર ટહુકે, ભલે વીજ ઝબકે,
હજી આભ કોરું, ધરા પણ તરસતી.
૫૭૩૩.
ટમેટાં ગયાં આભ પર ભાવ લઈને,
અને દાળમાં બસ ટમેટાં-સ્મરણ છે.
૫૭૩૪.
હતો એક કૂવો, હતી એક ડોલી,
હવે નળ ઘણા, પણ ન મળતી સહેલી.
૫૭૩૫.
હસીને મળે છે બધા આ નગરમાં,
છતાં કોઈ પૂછે ન, ‘સાચે મજામાં?’
૫૭૩૬.
વિદાયે ન રોયો પિતા ભીડ વચ્ચે,
પછી ઢીંગલી લઈ, ભરી આંખ ખૂણે.
૫૭૩૭.
હવે બોલવું શું, હવે સાંભળો શું?
નયન બેઉ સમજે, વચન કામ શું છે?
૫૭૩૮.
હતી ઓસરી, ને હતો એક ઝૂલો,
હવે ફ્લૅટમાં બસ હલે માત્ર પડદા.
૫૭૩૯.
રમકડાં ઘણાં, પણ રમે દીકરો તો
પિતાના ખભા પર ચડીને જ રમતો.
૫૭૪૦.
પરાગે કદી ફૂલ પાસે ન માગ્યું,
છતાં ફૂલ આખું ય એનું બની ગ્યું.
૫૭૪૧.
નગર ઝળહળે લાખ દીવા જલાવી,
છતાં ઝૂંપડી પર અમાસો રહી છે.
૫૭૪૨.
કરે વાત સૌ શાંતિની ને સમજની,
છતાં ભીડમાં રોજ ખંજર ફરે છે.
૫૭૪૩.
હતું ઘર અમારું, હતી એક મેડી,
હવે ત્યાં કબૂતર, ઉદાસી વસે છે.
૫૭૪૪.
નમે ડાળ જેના ઉપર ફળ ઘણાં હો,
અને ઠૂંઠ ઊભાં રહે છે અકડ થઈ.
૫૭૪૫.
ઘણાં વર્ષ વીત્યે ગયો ગામ પાછો,
મને ઓળખે ના, અને ઓળખું ના.
૫૭૪૬.
પરાગે હવાને સુણાવી અરજ એક,
‘મને લઈ જજે તું ઉજડ કોઈ રણમાં.’
૫૭૪૭.
નવા ફોનમાં છે હજારો ય ફોટા,
નથી એક તસવીર, બા, સાથ તારી.
૫૭૪૮.
ભલે ચાંદ પર ધ્વજ ફરકતો અમારો,
પડોશી ઘરે ભૂખ, ને ના ખબર છે.
૫૭૪૯.
નગરમાં વસે છે બધા ઘર વિનાના,
ઘણી ભીંત, ને બારણાં, પણ ન ઓટો.
૫૭૫૦.
પિતા સાથ ખેતર જતો હું સવારે,
હવે ત્યાં ઇમારત ગગનને અડે છે.
૫૭૫૧.
નથી કોઈ દુશ્મન, નથી કોઈ વેરી,
છતાં ઊંઘ આવે નહીં રાતભર કેમ?
૫૭૫૨.
તમે ‘ના’ કહી, તો ય હસતાં રહીને,
હજી ઘાવ એ સાવ મીઠો લગે છે.
૫૭૫૩.
પરાગે ન રાખ્યો ખજાનો કશો, પણ
ઉડાવી સુગંધો, થયો સાવ ખાલી.
૫૭૫૪.
બજારે મળે છે બધું રોકડેથી,
નથી હેત મળતું ઉધારે ય ત્યાં તો.
૫૭૫૫.
હતી દીકરી તો હતું ઘર મજાનું,
વિદાયે ગયું ગીત ઘરનું ય સાથે.
૫૭૫૬.
કદી ભીડમાં હું ય ખોવાઈ જાઉં,
પછી કોઈ મા જેમ પાડે મને સાદ.
– પરાગ રતનપરા