← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૫૧૫૬–૫૨૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૫૧૫૬.
ગગન ચૂમવા જે ગયા ઊડતા,
ધરા પર જ આવ્યા, થયા ધૂળ સૌ.

૫૧૫૭.
નદી થઈ વહી જા, ન રોકાઈ જા,
સમંદર મળે, ત્યાં જ ખોવાઈ જા.

૫૧૫૮.
હથેળી ભરી ધૂળ, ધરતી હસી,
કહે: ‘તું જ મારો ખરો દીકરો’.

૫૧૫૯.
ઘણા રેતના કોટ ચણતા અમે,
પડે કોટ, તોયે હસીએ ફરી.

૫૧૬૦.
ગરીબી હટી, આંકડામાં હટી,
હજી ઝૂંપડી એ જ ખૂણે રહી.

૫૧૬૧.
ગઝલ એ નથી, જે લખાતી રહી,
ગઝલ તો, નયનમાં છલકતી રહી.

૫૧૬૨.
હતો એક કૂવો, હતી ગાગરો,
ગયાં પનઘટો, ને ગયાં ગીત પણ.

૫૧૬૩.
તને ભૂલવા મેં લખી સો ગઝલ,
બધા શેરમાં તું જ ઊગી ફરી.

૫૧૬૪.
અમે સાથ બેઠા, છતાં દૂર સૌ,
બધાંના નયન ફોનમાં ખોઈ ગ્યાં.

૫૧૬૫.
વિદેશે ગયો દીકરો, ને હવે
ઘરે મા જગે રોજ રાતો સુધી.

૫૧૬૬.
ન દીવો, ન તારા, ન ચાંદો સખા,
છતાં ઝગમગે રાત તારે સ્મરણ.

૫૧૬૭.
શિલાલેખ પર નામ નેતા તણું,
તિરાડો પડી, ઢોલ તો પણ વગે.

૫૧૬૮.
ન બોલી કશું, બસ નમાવી નજર,
હૃદય ત્યાં જ હાર્યું, જનમ ભર સુધી.

૫૧૬૯.
ઢળી સાંજ, વાળે ચડી ચાંદની,
હવે આયને ઓળખું ના મને.

૫૧૭૦.
તને શોધવા દૂર કાશી ગયો,
હતો તું જ ઘરના જ ખૂણે છુપો.

૫૧૭૧.
ઘણાં વાદળાં આભમાં ગાજતાં,
છતાં ચૂપ વાદળ જ વરસી ગયું.

૫૧૭૨.
સમય ગોળ ફરતો રહે રોજ, ને
અમે રેખ સીધી બની ચાલિયા.

૫૧૭૩.
પરાગે કદી ફૂલ તોડ્યું નથી,
હવામાં ભળી મ્હેકતો એ ફરે.

૫૧૭૪.
પરાગે વિખેરી બધી જાત, ને
બગીચે ગવાયાં સ્તવન ફૂલનાં.

૫૧૭૫.
ખુશીમાં બધા દોસ્ત ભેગા થયા,
વ્યથામાં હતી માત્ર છાયા, સખા.

૫૧૭૬.
પિતાની ટકોરો કડક’તી ઘણી,
હવે એ જ યાદો ગળી લાગતી.

૫૧૭૭.
નગર ઝળહળે રાતભર જાગતું,
અને ઊંઘ ખોવાઈ ગઈ ગામમાં.

૫૧૭૮.
દુકાને રમકડાં જુએ બાળ એક,
હતી ભૂખ ખિસ્સે, ન સિક્કો હતો.

૫૧૭૯.
ગયો શ્યામ, ગોકુળ ઉદાસી ઘણી,
હજી વાંસળી વાગતી કુંજમાં.

૫૧૮૦.
હતો શબ્દ ખાલી, તમે અર્થ થઈ
પધાર્યા, અને પાંગરી આ ગઝલ.

૫૧૮૧.
ધરો નોટ, ત્યારે જ ચાલે કલમ,
વગર નોટ સાહેબ ઊંઘ્યા કરે.

૫૧૮૨.
હતો લીમડો, ને હતો ઓટલો,
હવે ‘મૉલ’ ઊભો, ગયું ગામ ક્યાં?

૫૧૮૩.
રડું તો ન પૂછે કશું કોઈ પણ,
હસું તો બળે ગામ આખું ભલા.

૫૧૮૪.
પરાગે નમાવ્યું જરા શીશ, તો
ગગન પણ નમીને કપાળે અડે.

૫૧૮૫.
ભલે ‘બૉસ’ મોટો થયો ઑફિસે,
હજી મા કહે: ‘શાલ ઓઢી જજે’.

૫૧૮૬.
નયનમાં ઘણાં સ્વપ્ન ઊગ્યાં હતાં,
પરોઢે બધાં ઝાકળે ઊડિયાં.

૫૧૮૭.
દિવાળી હતી, પણ હતો દૂર હું,
નયન બેઉ દીવા બની રાતભર.

૫૧૮૮.
ગલીમાં જમા નીર ઘૂંટણ સુધી,
અને ‘સ્માર્ટ’ શબ્દો તરે ત્યાં બધે.

૫૧૮૯.
ભલે દૂર તું, પણ મને લાગતું,
હવા જે અડે, એ જ તારો સ્પરશ.

૫૧૯૦.
બળીને ય દીવો હસે છે સદા,
અમે સ્હેજ દાઝી, રડીએ ઘણું.

૫૧૯૧.
ખરે પાંદડાં, તો ય ઝાડો હસે,
ખબર છે, વસંતે ફરી ઊગશે.

૫૧૯૨.
વળાવી સુતાને, થયું ઘર ઉદાસ,
હજી ઝાંઝરી ત્યાં ઝણકતી રહે.

૫૧૯૩.
ઘણા દીવડા મંદિરે ઝગમગે,
હૃદયમાં હજી ઘોર અંધાર છે.

૫૧૯૪.
ઘણા ‘વૉક’ કરવા ગયા બાગમાં,
ખરો હેતુ ‘ફોટા’ ગ્રુપે મૂકવા.

૫૧૯૫.
પરાગે કદી ઢોલ પીટ્યો નહીં,
છતાં ફૂલ ફૂલે સુગંધે કહે.

૫૧૯૬.
પરાગે હૃદયનાં ઉઘાડ્યાં કમાડ,
પવન સૌ સુગંધી બની ગ્યા પછી.

૫૧૯૭.
સભામાં ગજાવી ગયા ‘સત્ય’ સૌ,
ઘરે જઈ છુપાવ્યું તિજોરી મહીં.

૫૧૯૮.
સમંદર ભલે ગર્જના સો કરે,
છતાં પ્યાસ એની શમી ના કદી.

૫૧૯૯.
રચી હાથ મેંદી, હતું નામ તુજ,
ઘણાં વર્ષ વીત્યાં, ન ઝાંખું થયું.

૫૨૦૦.
પતંગે કરી દોર સાથે લડાઈ,
કપાયો, અને લૂંટવા ભીડ ગઈ.

૫૨૦૧.
કપાયાં ઘણાં ઝાડ, ને માર્ગ થ્યા,
હવે છાંયડો શોધવા ‘મૉલ’માં.

૫૨૦૨.
કબર પર ચડાવ્યાં ઘણાં ફૂલ સૌ,
હતો શ્વાસ, ત્યારે ન આપ્યું ગુલાબ.

૫૨૦૩.
પરાગે ગઝલને ઉછેરી ઘણી,
છતાં ફૂલ જેવી ખરી જાય એ.

૫૨૦૪.
પરાગે નયનમાં વસાવ્યો ચમન,
પછી આંસુ પણ મ્હેક દેતાં થયાં.

૫૨૦૫.
પરાગે હવાને કહી વાત એક,
હવાએ બધે ગામમાં ગાઈ એ.

૫૨૦૬.
ભરી ખાબડે નાવ કાગળ તણી,
હજી ડૂબતી ના, તરે યાદમાં.

૫૨૦૭.
ફટેલું હતું વસ્ત્ર, મા તોય ખુશ,
અમારી દિવાળી નવાં વસ્ત્રમાં.

૫૨૦૮.
બધી ચેનલો ચીસ પાડ્યા કરે,
ખરી વાત તો ગામ ચોરે મળે.

૫૨૦૯.
દવાઓ ગણું, ને ગણું શ્વાસ પણ,
બુઢાપો હિસાબી થયો છે, ભલા.

૫૨૧૦.
અધૂરી રહી પ્રેમની વારતા,
અધૂરી જ સુંદર, જગત જાણતું.

૫૨૧૧.
ઘડો ‘હું’પણાનો ગયો ફૂટ, ને
ઝરણ ભીતરે ત્યાં વહેતું થયું.

૫૨૧૨.
નગર આભ આંબે ભલે, તોય ત્યાં
તળે ફૂટપાથે ઠરે ભૂખ સૌ.

૫૨૧૩.
કરે કર્મ, ફળની ન ચિંતા કરે,
કિસાનો જ ગીતા ખરી જાણતા.

૫૨૧૪.
પરાગે સદા ગીત ગાયાં નવાં,
પુરાણી વ્યથાને મઢી મ્હેકમાં.

૫૨૧૫.
હતી ઝૂંપડી પર ઉજાસી શરદ,
છતાં દૂધ-પૌંઆ ન’તાં થાળમાં.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૫૧૩૬–૫૧૫૫આગલો લેખ →છૂટા શેર ૫૨૧૬–૫૨૪૫