← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૪૫૪૬–૪૫૯૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૪૫૪૬.
હથેળીમાં લકીરો છે, લકીરોમાં કશું ક્યાં છે?
ઘસીને હાથ પથ્થર પર, નવી રેખા અમે દોરી.

૪૫૪૭.
ઘણાં વરસે ગયો ગામે, ગલી પણ ઓળખે ના ત્યાં,
બચેલો લીમડો ઝૂકી, મને ભેટ્યો ખભે આવી.

૪૫૪૮.
સવારે ગ્રીન ટી પીઉં, બપોરે સૂપ ને ફળ બસ,
પછી ફ્રિજની ઉપર રાતે પડે છાપો મજાનો, લો!

૪૫૪૯.
ગયો કાનો, ગયાં ગાયો, ગયા ગોવાળિયા સઘળા,
હજી રાધા તટે બેઠી, ઉદાસીમાં, ખુલા કેશે.

૪૫૫૦.
પરાગે બાગ છોડ્યો, ને હવા સાથે ગયો ઊડી,
જશે જ્યાં, ત્યાં નવો ઉપવન ઉગાડી દે, ફકીરી છે.

૪૫૫૧.
હજી બાની પટોળી છે, કબાટે સાચવી રાખી,
ઉઘાડું તો ય એમાંથી હજી બા-મ્હેક આવે છે.

૪૫૫૨.
નવા નેતા, નવા નારા, નવી ટોપી, નવા ઝંડા,
અને રસ્તે હજી ખાડો, પુરાણો ને ઘણો ઊંડો.

૪૫૫૩.
તને કાબે, તને કાશી, તને શોધ્યો બધે ભટકી,
ખરેખર તું હતો મારી જ ભીતર ક્યારનો બેઠો.

૪૫૫૪.
તને જોયા પછી લાગે, બધા રંગો ય ઝાંખા છે,
ગુલાબો પણ હવે જાણે, તને ભાળી, લજાતાં છે.

૪૫૫૫.
પરાગે કોઈ દી માગ્યું નથી સન્માન બાગોનું,
હવાનો સાથ માગ્યો છે, ખરીને ઊડવા માટે.

૪૫૫૬.
ઘરેથી હું ગયો ત્યારે, હતી બાની નજર ભીની,
હજી એ ઉંબરે ઊભી, હજી એ હાથ હાલે છે.

૪૫૫૭.
નદી જેવો બનીને હું, વહું છું મૌન રાખીને,
છતાં કાંઠે પડેલા આ બધા પથ્થર ઘસાયા છે.

૪૫૫૮.
ઉછીના લઈ ઘણા પૈસા, ઉડાવ્યા લગ્નમાં ભારે,
હવે હપ્તા ભરું છું ને, ગણું છું રોજ તારીખો.

૪૫૫૯.
ગયો મંદિર, ગયો મસ્જિદ, ગયો દેવળ સુધી પણ હું,
બધે ભાષા હતી સરખી: નમેલાં શીશ ને આંખો.

૪૫૬૦.
બધા પૂછે મને આજે, ‘તમે છો કોણ? બોલો તો!’
કહું શું? નામ છે મારું, હજી હું શોધમાં ખુદની.

૪૫૬૧.
પિતાના હાથના છાલા હજી ભીંતે ચણાયા છે,
અમે એમાં વસીએ, પણ કદી જોયા નહીં છાલા.

૪૫૬૨.
ગુલાબે કંટકો ઓઢી, છતાં હસવું નથી છોડ્યું,
પરાગે એ જ શીખ્યું છે, ઘવાયા તો ય મ્હેકાવું.

૪૫૬૩.
ઘટા ઘેરી હતી આભે, સુગંધે ગામ ભીંજાયું,
પછી બાળક તણી હોડી સમંદરને તરી આવી.

૪૫૬૪.
ગયો’તો હું કચેરીએ, સહીનો એક કાગળ લઈ,
હવે સો ટેબલો ફરતાં, વરસ બે થઈ ગયાં સાચે!

૪૫૬૫.
નમેલી કેડ, ધ્રૂજે હાથ, ઝાંખી આંખ, ને તોયે
હજી દાદા ઉકાળે ચા, હજી દાદી હસે મીઠું.

૪૫૬૬.
હતા જે પ્રેમપત્રો એ, પરણ્યા બાદ વાંચું તો
હસીને પૂછતી પત્ની: ‘તમારો ક્યાં ગયો શાયર?’

૪૫૬૭.
વિદેશે ડૉલરો ઢગલે, ઘણી ગાડી, ઘણાં ઘર છે,
છતાં ત્યાં કોઈ ના પૂછે, ‘જમી લીધું? કહે બેટા.’

૪૫૬૮.
નમાવ્યું શીશ મંદિરમાં, ચડાવ્યાં ફૂલ ચરણોમાં,
હજી પણ ‘હું’ ખડો ભીતર, નથી ઝૂક્યો કદી ક્યાંયે.

૪૫૬૯.
નિશાળે એક ડબ્બામાં અમે બે સાથ જમતા’તા,
હવે એ ‘સર’ થયો મોટો, મળે તો ઓળખે ના, લે!

૪૫૭૦.
પરાગે રાતભર જાગી, લખી’તી કૈં ગઝલ ભીની,
સવારે સૌ કહે, ‘ઝાકળ ઘણું આજે ગુલાબોમાં!’

૪૫૭૧.
પતંગો કાપતા’તા સૌ, અમે બસ દોર સાંધ્યા’તા,
કપાયેલા હતા જે પણ, ફરી ગાંઠી અમે જોડ્યા.

૪૫૭૨.
ગુલાલો ને અબીલોથી મને સૌએ ઘણો રંગ્યો,
છતાં તારી નજરનો રંગ ધોવાતો નથી ક્યાંયે.

૪૫૭૩.
ગયા મ્હેલો, ગયા રાણા, ગયા સઘળા સગાંવ્હાલાં,
સગો ગિરધર, સખા વીણા, અને રસ્તો હતો ઘર ત્યાં.

૪૫૭૪.
ચિતાની આગ ઠરતાં, ને હવામાં રાખ ઊડે છે,
બચે છે બસ ગઝલ, જે મેં લખી તારા સ્મરણ માટે.

૪૫૭૫.
ઘડી ટકટક કરે, ને આયખું પળપળ સરી જાતું,
અને આપણ હજી ‘કાલે’, ‘પછી’, ‘હમણાં’ કહી બેઠા.

૪૫૭૬.
અમે શબ્દો સજાવીને મહેલો બાંધવા બેઠા,
છતાં ‘મા’ શબ્દની સામે, બધા લાગ્યા અમે વામણ.

૪૫૭૭.
હજારો ‘ફ્રેન્ડ’ છે મારા, ઘણા સંદેશ આવે છે,
છતાં રાતે રડું ત્યારે, સિરાણું એકલું જાણે.

૪૫૭૮.
તળાવે ગામ ન્હાતું’તું, ઘણી ગાયો ય પીતી’તી,
હવે ત્યાં ‘મૉલ’ ઊભો છે, તરસતી ગાય દરવાજે.

૪૫૭૯.
બજારે ફૂલ વેચાતાં, હતા ભાવો ઘણા ઊંચા,
પરાગે ભાવ પૂછ્યો ત્યાં, સુગંધીનો — ‘મફત’ બોલ્યાં.

૪૫૮૦.
બિચારો બાળ, ઉંમર દસ, ઉપાડે ઈંટના ભારા,
અને એ ઈંટથી ચણશે નિશાળો, જ્યાં ભણે બીજાં.

૪૫૮૧.
કિનારે રેત પર મેં નામ તારું જ્યાં લખેલું’તું,
તરંગો લઈ ગયા એને, હવે દરિયો તને ગાતો.

૪૫૮૨.
ગરીબી દૂર કરવાનો હતો સંકલ્પ નેતાનો,
ખસેડી ઝૂંપડાં સઘળાં, ગરીબી તો હજી ત્યાં છે.

૪૫૮૩.
વિદાયે દીકરી જ્યારે વળી, જોયું ફરી પાછું,
પિતા બોલ્યા, ‘અરે, આ તો પવનમાં ધૂળ ઊડી છે.’

૪૫૮૪.
ખરેલી પાંખડીઓમાં, પરાગે નામ શું લખવું?
હવા જ્યાં લઈ જશે ત્યાં બસ, ફરી ખીલી, ફરી ખરવું.

૪૫૮૫.
તને ભીંજાઈ જોતાં, મેઘ પણ ધીમો પડી ગ્યો’તો,
હશે એને ય ઈચ્છા, બસ તને જોયા કરે ઊભો.

૪૫૮૬.
વધે છે મીણબત્તીઓ, ઘટે છે આયખું મારું,
છતાં હસતો રહું હું, ને બધાં ‘હૅપી’ કહે મુજને.

૪૫૮૭.
ન પીધો જામ મેં ક્યાંયે, છતાં ઝૂમ્યા કરું છું હું,
નશો તારા સ્મરણનો, જે સવારે પણ નથી જાતો.

૪૫૮૮.
હજી એ ગામ જાતી બસ, ધુમાડો ઓકતી આવે,
નથી હું એ બસે, તોયે, જુએ છે બા બસસ્ટૅન્ડે.

૪૫૮૯.
પરાગે એટલું જાણ્યું, ખરું આ સત્ય જીવનનું:
ખરે જે ફૂલ ખુશ્બૂ થઈ, કદી એ ના મરે સાચે.

૪૫૯૦.
હવે દીવો બુઝાવું, ને કલમ મૂકું, ઘણું ગાયું,
સવારે કોઈ ગાશે તો, ગઝલમાં શ્વાસ લેવાનો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૪૪૬૬–૪૫૪૫આગલો લેખ →છૂટા શેર ૪૫૯૧–૪૬૨૫