છૂટા શેર ૩૬૬–૪૦૫
૩૬૬.
કપાળે કરે મા સદા મેશ-ટીકો,
બલાઓ ઉતારે, સ્વયં એ જ ઝીલે.
૩૬૭.
તમારા બધા પત્ર બાળ્યા, છતાં પણ
ધુમાડે ય અક્ષર તમારા લખેલા.
૩૬૮.
હવે ગામમાં કોઈ કૂવે ન આવે,
હવે ગરગડી એકલી ગીત ગાતી.
૩૬૯.
‘પરાગે’ પવનને લખી એક ચિઠ્ઠી:
‘મને લઈ જજે તું, કળી રાહ જોતી.’
૩૭૦.
ગયો તાવ લઈ, પણ બિલે જીવ લીધો,
યમે ત્યાં જ ખોલી નવી એક શાખા.
૩૭૧.
સવારે ઉતાવળ, બપોરે ઉતાવળ,
‘નિરાંતે મળીશું’ કહી જિંદગી ગઈ.
૩૭૨.
કહે બા, ‘ગયા એ ગગનમાં સિતારો,’
હવે રાતભર બાળ તાકે ગગનને.
૩૭૩.
ઉધારે ઉગાડ્યો હતો મોલ એણે,
ઘટા ના ઝરી, ને લટકતો હતો એ.
૩૭૪.
‘પરાગે’ ન માગ્યા કદી ચંદ્રકો, બસ
રડે એક વાચક, ખિતાબો ઘણા એ.
૩૭૫.
ઘડી ટક ટકાટક કરે રાતભર, ને
ઉમર આપણી રોજ થોડી ઘટાડે.
૩૭૬.
પરોઢે ઘરે ઘર ખબર જે વહેંચે,
નિશાળે ગયો ના કદી એ જ બાળક.
૩૭૭.
ગયા રામ વનમાં, અયોધ્યા રડી'તી,
હવે રામ ઘરમાં, વને બાપ-મા છે.
૩૭૮.
ઘટા જ્યાં ઝરી, દેડકાં ગાય ગઝલો,
તળાવે સભા, ને બધા દાદ આપે.
૩૭૯.
‘પરાગે’ સમયની નદીમાં તરીને,
ગઝલનાં હલેસાં જ સાથે હતાં, બસ.
૩૮૦.
ક્ષમા જ્યાં કરી, ત્યાં થયો હું ય હળવો,
વરસથી હતો વેરનો ભાર માથે.
૩૮૧.
વચન સાત દીધાં હતાં લગ્ન ટાણે,
હવે સાતમું પણ નથી યાદ એને.
૩૮૨.
બધું ધૂળ, ને ધૂળમાં સૌ ભળીશું,
છતાં વેંત ભોંયે લડે છે સગાં સૌ.
૩૮૩.
ભલે વસ્ત્ર ફાટ્યાં, ઉઘાડા પગે છે,
હસે બાળ, જાણે ખજાનો હથેળી.
૩૮૪.
હવે પત્ર બદલે ‘ઇમોજી’ જ આવે,
ન શાહી, ન ભીનાશ, ના કોઈ ખુશબૂ.
૩૮૫.
‘પરાગે’ ગઝલનો પ્રથમ પાઠ શીખ્યો,
ઝુલાવે મને, ગીત ગાતી હતી મા.
૩૮૬.
જલેબી મને બહુ ગમે છે, છતાં ત્યાં
‘સુગર’ ના કહે, ને ઘરે ‘ના’ જ ‘ના’ છે.
૩૮૭.
રણે મેઘ આવી ગયો એક પળ, ને
હરણ ઝાંઝવાં સૌ ભુલાવી, રમે ત્યાં.
૩૮૮.
પરીક્ષા પહેલાં જ પેપર બજારે,
ભણેલાં રડે, ને ઠગો પાસ થાતા.
૩૮૯.
‘પરાગે’ કદી ફૂલ તોડ્યાં નથી, બસ
ઝુલાવ્યાં પવન થઈ, સદા પ્રેમથી ત્યાં.
૩૯૦.
પતંગો બળીને થયો રાખ, તોયે
શમા ના રડી, ને જલી રાતભર બસ.
૩૯૧.
પટારે હતા પત્ર પીળા પડેલા,
ઉઘાડ્યા જરા, ત્યાં જુવાની જગી ગઈ.
૩૯૨.
કદી બંગડીઓ ખનકતી હતી, ત્યાં
હવે માત્ર પંખો ફરે છે અવાજે.
૩૯૩.
ઘટાઓ ટપાલી બનીને પધારી,
સજનના લખેલા ખબર ત્યાં ઝરે છે.
૩૯૪.
ટમેટાં હવે ભાવ સોને તુલે છે,
સલાડે હવે કાકડી ને દુઆઓ.
૩૯૫.
‘પરાગે’ ન રાખ્યું કશું પાસ પોતે,
ભમર લઈ ગયો મધ, પવન મ્હેક લઈ ગ્યો.
૩૯૬.
કહે બાળ: ‘ઈશ્વર બતાવો મને, બા,’
હસી બા, ગળે લઈ કહે: ‘એ અહીં છે.’
૩૯૭.
ઉકરડે હવે ગાય પ્લાસ્ટિક ચરે છે,
છતાં ગાય માટે સભાઓ ભરાતી.
૩૯૮.
કબાટે ઘણા ગ્રંથ ધૂળે ભરેલા,
હવે જ્ઞાન ‘ગૂગલ’ મફતમાં ધરે છે.
૩૯૯.
નથી આંસુ, પણ દર્દ ઊંડું ઘણું છે,
તળે રેતની, જળ વહે છે નદીમાં.
૪૦૦.
હજી રાહ જોતી રહે બા ઝરૂખે,
ગયો પુત્ર, પાછો ન આવ્યો કદી પણ.
૪૦૧.
પ્રથમ મેઘ, ને ભોંય ભીની સુગંધે,
અતરની દુકાનો ય શરમાઈ ઝૂકી.
૪૦૨.
વરસથી પડોશી, ન જાણું કશું પણ,
મળે લિફ્ટમાં, ‘હાય’ બોલી જવાનું.
૪૦૩.
તળે દીપના અંધકારો રહે છે,
અનાજો ઉગાડે, ભલે પેટ ખાલી.
૪૦૪.
નથી ઊંઘ આવી, ગણી મેં સિતારા,
પરોઢે થયું, એક ઓછો હતો ત્યાં.
૪૦૫.
હવે બાપુ નોટે હસે છે સદાયે,
અને એ જ નોટે ખરીદાય સાચું.
– પરાગ રતનપરા