← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૫૮૬–૩૬૨૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૫૮૬.
ગયાં સૌ, હવે એ જ ઝૂલો હલે,
હવા ઝૂલતી, ને સ્મરણ ગાય છે.

૩૫૮૭.
તને જોઈ મેં આંખ મીંચી જરા,
રખે આંખમાંથી સરી જાય તું.

૩૫૮૮.
વચન લાખ દીધાં સભામાં ઘણાં,
પછી ચૂંટણી બાદ ભૂલી ગયા.

૩૫૮૯.
મને ભૂખ લાગી, ન મા એ જમી,
છતાં તૃપ્તિ એના જ મુખ પર હતી.

૩૫૯૦.
નદી સાગરે જઈ, નદી ના રહી,
અમે પ્રેમમાં એમ ખોવાઈ ગ્યા.

૩૫૯૧.
પરાગે ઉડાડી ધજા મ્હેકની,
પવન લઈ ગયો દૂર સરહદ સુધી.

૩૫૯૨.
સમંદર ભલે છે ઘમંડી ઘણો,
તરસ ના બુઝાવે કદી કોઈની.

૩૫૯૩.
સમય રેત જેવો સરે હાથથી,
જરા બંધ મૂઠ્ઠી કરું, ત્યાં સરે.

૩૫૯૪.
હવે વીડિયો કૉલ પર મા મળે,
અડી ના શકું, માત્ર જોતો રહું.

૩૫૯૫.
અમે ચાર ભેગા થયા ટેબલે,
બધા ફોન પર, કોઈ બોલ્યું નહીં.

૩૫૯૬.
હતો ડાકિયો, ને હતા કાગળો,
હવે મેલમાં ક્યાં રહી એ મજા?

૩૫૯૭.
નહીં સૂર્ય, પણ એક દીવો બનું,
અમાસે જ એ ઝૂંપડે ઝળહળું.

૩૫૯૮.
ભલે પત્ર બાળ્યા તમે સૌ, છતાં
હજી રાખમાં મ્હેક છે નામની.

૩૫૯૯.
પરાગે કદી ના કહી વાત એ,
કળી ખીલતાં સૌ સમજતા ગયા.

૩૬૦૦.
પડે મેહ પતરે, બજે તાલ ત્યાં,
ગરીબી ય નાચે છમાછમ ખરે.

૩૬૦૧.
વરસ સાઠ સાથે ગયાં ને હજી
ધરે ચા પ્રથમ એ, પછી ખુદ પિયે.

૩૬૦૨.
હતી માગણી ગામમાં નળ તણી,
પડી ફાઈલો, ગામ પ્યાસું હજી.

૩૬૦૩.
અગાસે હતા ખાટલા, આભ ને
હવે ફ્લૅટમાં એક છત, ના ગગન.

૩૬૦૪.
ભણાવ્યું હતું માસ્તરે જે કદી,
રહી એ જ શિક્ષા, ન ડિગ્રી રહી.

૩૬૦૫.
પરાગે હવાની સવારી કરી,
દિશાઓ બધી મ્હેકથી ભીંજવી.

૩૬૦૬.
ખુદા પણ ઘડીભર અટકતો હશે,
હસે જ્યાં ઉઘાડે પગે બાળ કો'.

૩૬૦૭.
પવનને કશી જાણ ક્યાં હોય છે,
બુઝાવી ગયો એક ઘરનો દિયો.

૩૬૦૮.
ફળે ઝાડ, પણ ખુદ ન ચાખે કદી,
નમે ભાર લઈ, ને ન ફરિયાદ કૈં.

૩૬૦૯.
નગરમાં હવે ક્યાં ચકીઓ રહી?
ઘણા વીજ-તારો, ન પંખી ઘણાં.

૩૬૧૦.
ભરી ડાળ ઝૂકે ફળોથી સદા,
અને ઠૂંઠ અક્કડ, ન છાંયો દિયે.

૩૬૧૧.
પરાગે ન વેચી કદી મ્હેક એ,
બધાને મળી એ, ખુશી એટલી.

૩૬૧૨.
વચન ચાંદ-તારા તણાં, ને પછી
ન લાવ્યો ઘરે શાક પણ ટાઈમે.

૩૬૧૩.
કિનારે હતું રેતનું ઘર, ભલા,
છતાં બાળ હસતું, ફરી બાંધશે.

૩૬૧૪.
પિતાનાં પગરખાં પહેરી જરા,
હવે એ જ માપે મળે છે મને.

૩૬૧૫.
હવામાં જ અફવા ભમી એટલી,
બધાં ઘર સળગતાં હતાં રાતભર.

૩૬૧૬.
ઘણા ઘા સહી, પથ્થરો દેવ થ્યા,
અમે તો જરા ઠોકરે તૂટતા.

૩૬૧૭.
તપે સૂર્ય માથે, બળે ખેતરે,
પસીનો પડે ત્યાં ઉગે ધાન સૌ.

૩૬૧૮.
પરાગે બચાવી નથી જાતને,
સુગંધો લુટાવી, ખુશી એ ખરી.

૩૬૧૯.
હતી રાહમાં મા સદા ઝાંપલે,
હવે ઝાંપલો રાહ જોયા કરે.

૩૬૨૦.
દિયે ચા બધાને સવારે ગુલો,
નિશાળે જતાં બાળ જોયા કરે.

૩૬૨૧.
તરસતી ધરા પર પડી બુંદ જ્યાં,
ઉઠી મ્હેક, માટી ગઝલ ગાય છે.

૩૬૨૨.
ભલે સાથ છોડે સગાં, મિત્ર સૌ,
રહે સાથ છાયા, ઢળે ત્યાં લગી.

૩૬૨૩.
દહેજે ઘરેણાં, ઝવેરાત ને
છતાં વહુ ઉદાસી ભરી સાસરે.

૩૬૨૪.
મરણ બાદ સૌએ વખાણ્યો ઘણો,
હતો જીવતો ત્યાં લગી કૈં નહીં.

૩૬૨૫.
ઘણી રાત કાળી ભલે હોય, પણ
સવારે ફરી ફૂલ ખીલે નવું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૫૪૬–૩૫૮૫આગલો લેખ →છૂટા શેર ૩૬૨૬–૩૬૪૫