← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૨૨૦–૩૨૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૨૨૦.
નગરમાં ઘણા દીપ, ઝગમગ બધે,
છતાં ઝૂંપડીમાં અમાસો હજી.

૩૨૨૧.
હતો લીમડો એક ફળિયા મહીં,
કપાયો, હવે છાંય પણ ક્યાં રહી?

૩૨૨૨.
હતી હાથ ઘડિયાળ મોંઘી ઘણી,
છતાં બા કને બેસવા પળ ન’તી.

૩૨૨૩.
તને ભૂલવા મેં લખી’તી ગઝલ,
ગઝલમાં બની તું અમર, શું કરું?

૩૨૨૪.
હતી ગાય, ખેતર, હતી વાવડી,
હવે ત્યાં ઇમારત ખડી કાચની.

૩૨૨૫.
ભલે સાત દરિયા તરી તું ગયો,
છતાં મા તણું આંસુ મોટું હતું.

૩૨૨૬.
હવે બાળકો ફોનમાં ખોઈ ગ્યાં,
ગલીમાં ન ગિલ્લી, ન દંડા હવે.

૩૨૨૭.
પરાગે ગઝલમાં ભરી ગંધ જે,
હવાએ ઉપાડી ગલીએ ગલી.

૩૨૨૮.
તમે આવશો, એ જ આશા મહીં,
અમે ઉંબરે દીપ બાળ્યા સદા.

૩૨૨૯.
નથી મા, નથી બાપ, ના ઘર હવે,
છતાં ગામ બોલાવતું હેતથી.

૩૨૩૦.
ઉગે સૂર્ય, ને આથમે રોજ એ,
છતાં થાકતો ના, ન ફરિયાદ કંઈ.

૩૨૩૧.
પિતાનો હતો જન્મદિન આજ, પણ
શુભેચ્છા બધાંની ફકત ફોન પર.

૩૨૩૨.
પરાગે, ન ગજરો, ન માળા બની,
છતાં ગંધ થઈ શ્વાસમાં સૌ તણા.

૩૨૩૩.
કદી ના ગયા ધામ કે તીર્થમાં,
પિતાના ચરણમાં બધું ત્યાં હતું.

૩૨૩૪.
વળાવી હતી દીકરી કાલ જે,
હવે ઢીંગલી ગોખલે એકલી.

૩૨૩૫.
જિમે જઈ, સલાડો ગળી, રોજ પણ
વજન તોય વધતું, ઘટે ના જરા.

૩૨૩૬.
હતી એક ડેલી, હતી ઓસરી,
હવે ‘ફ્લૅટ’માં ના મળે બારણું.

૩૨૩૭.
જરા બોલ, હૈયું ભરેલું ઘણું,
નહીં તો ગઝલ થઈ વહી જાય છે.

૩૨૩૮.
દિવાળી ઘરે, ને ઉજાસો બધે,
છતાં ઝૂંપડી એક અંધારમાં.

૩૨૩૯.
તને જોઈ આંખો છલકતી રહી,
હસી હોઠ પર, વેદના સંઘરી.

૩૨૪૦.
હતો વૃદ્ધ, ને લાકડી હાથમાં,
છતાં બાળને રોજ ઝૂલો દિયે.

૩૨૪૧.
અરીસો કહે: ‘તું જ તારો નથી,’
અને હું હસીને કહું: ‘એમ છે?’

૩૨૪૨.
પરાગે કદી ફૂલ ચૂંટ્યું નથી,
ખરેલી કળી પણ ઉઠાવી સદા.

૩૨૪૩.
જવું છે અમારે ઘણે દૂર, પણ
હજી ગામની ધૂળ પગમાં ભરી.

૩૨૪૪.
કબૂતર ઉડાડે, કરે ભાષણો,
અને સરહદે તોપ ગાજે સદા.

૩૨૪૫.
હતો ઓરડો એક, ને પાંચ જણ,
હવે ઓરડા દસ, ફકત એક જણ.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૧૮૫–૩૨૧૯આગલો લેખ →છૂટા શેર ૩૨૪૬–૩૨૬૫