← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૨૪૧–૨૫૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૨૪૧.
આંખમાં તું જ છે, શ્વાસમાં તું જ છે,
ક્યાં ગયો હું? મને પણ ખબર ના પડે.

૨૪૨.
ઘંટડી ફોનની સાંભળીને જ મા
દોડતી, ‘દીકરો હોય તો!’ — એ જ આશ.

૨૪૩.
રેલના બે સમાંતર સદા સાથ છે,
ના મળે, તોય સંગાથ ના છોડતા.

૨૪૪.
સાંજ પડતાં મજૂરો વળે ઘર ભણી,
હાથ ખાલી, છતાં ગીત હોઠે ભરી.

૨૪૫.
આભ સામે નજર, ખેતરે છે તરસ,
મેઘ ક્યાં છે? કહે કોઈ ખેડૂતને.

૨૪૬.
મા હસે, ને હસે ઓરડો, આંગણું,
મા રડે, તો રડે ભીંત પણ સાથમાં.

૨૪૭.
આ પરાગે ભરી મ્હેક, વેરી બધે,
ને પછી ફૂલની જેમ ખરતો ગયો.

૨૪૮.
બૉસ બોલે ઘણું, ઊંઘ આવે મને,
એ કહે: ‘કામ છે’, હું કહું: ‘નીંદ છે’.

૨૪૯.
શબ્દ થાક્યા, પછી મૌન ગાતું ગયું,
ને ગઝલ મૌનમાં સાંપડી, ઓ સખા.

૨૫૦.
આંગણું સાવ સૂનું, ન ચકલી કશે,
કાચની આ ઇમારત, ન માળો કદી.

૨૫૧.
બૂટ ચમકાવતો છોકરો, એ જ ખુદ
પગ ઉઘાડે ફરે ધોમ તડકે સદા.

૨૫૨.
દોસ્ત જીત્યો, હસી મેં વધાવ્યો, ભલે,
રાતભર મન મહીં ડંખતો સાપ એ.

૨૫૩.
માળિયે બાપુનો કોટ ટાંગ્યો હતો,
જેબમાં એક ફોટો હતો બા તણો.

૨૫૪.
મ્હેકને ના નડે કોઈ સરહદ કદી,
એટલે આ પરાગે ન રાખ્યું વતન.

૨૫૫.
જિંદગી એક નાટક સમી, પાત્ર સૌ,
અંત પડદો પડે, ને ઘરે સૌ જશે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૨૧૧–૨૪૦આગલો લેખ →છૂટા શેર ૨૫૬–૨૬૫