છૂટા શેર ૨૦૬૬–૨૧૦૫
૨૦૬૬.
ઓસરીમાં ખાટલો બાનો હજી ઝૂલ્યા કરે,
રાત પડતાં એ જ ઝીણું ગીત ધીમું ગણગણે.
૨૦૬૭.
બાળપણમાં એક ચીકી ભાગ પાડી ખાઈ’તી,
આજ ડબ્બા છે ભરેલા, પણ નથી એ ભાઈ ત્યાં.
૨૦૬૮.
આયનામાં રોજ જોઉં, ને અચંબો થાય કે
આ પિતાજી કેમ મારી આંખમાં આવી ગયા?
૨૦૬૯.
શ્વાસની ઘડિયાળને ના કોઈ ચાવી દે છતાં,
રોજ ટક ટક થાય, માની પ્રાર્થનાનું જોર છે.
૨૦૭૦.
ફૂલ તોડીને ચડાવ્યું તેં ભલે ભગવાનને,
ડાળ ખાલી, છોડ રોતો, કોઈએ જોયું નહીં.
૨૦૭૧.
આંગણેથી દીકરી ગઈ, સાંજ જેવું ઘર થયું,
છોડ તુલસીનો ય જાણે સાવ ઝૂકી ગ્યો હવે.
૨૦૭૨.
વૃક્ષ કાપી ને બનાવ્યો બાંકડો બાગે નવો,
ને પછી ત્યાં છાંયડો શોધ્યા કરું છું રાતદિન.
૨૦૭૩.
કાગળે મેં માત્ર ‘મારું ગામ’ લખતાં, ત્યાં જ તો
આંખમાંથી ગામનો કૂવો છલોછલ થઈ ગયો.
૨૦૭૪.
નાનપણમાં ડર હતો કે ભીડમાં ખોવાઈ જઈશ,
આજ મારી શોધ ખાતર ભીડમાં ફરતો રહું.
૨૦૭૫.
આભ સામે જોઈ ઊભો એક ખેડૂ મૌન થઈ,
મૌન એનું વાદળાંને એક લાંબો પત્ર છે.
૨૦૭૬.
ટાવરો ઊંચા થતાં, ત્યાં ક્યાંય ચકલી ના રહી,
ને પછી સૌ ઊજવે ચકલી-દિવસ ત્યાં ધૂમથી.
૨૦૭૭.
બા વિના ઘડિયાળ સૌ ચાલ્યા કરે આ ઘર મહીં,
તોય મારો કાળ ઊભો ત્યાં જ ઉંબર પર હજી.
૨૦૭૮.
વાયરાએ વાત ફેલાવી, વસંતો આવશે,
ઠૂંઠને પણ કૂંપળો ફૂટી, ભરોસો એટલો.
૨૦૭૯.
કેટલી ડિગ્રી ભરી છે આજ મારી ફાઈલે,
તોય માણસ થઈ જવાનો પાઠ ક્યાં શીખી શકું?
૨૦૮૦.
ચાંદ આખી રાત લખતો પત્ર ધરતીને ઘણા,
સૂર્ય ઊગ્યો, ને બધા અક્ષર બની ઝાકળ ગયા.
૨૦૮૧.
હસ્તરેખાને નિહાળી ભાગ્યને પૂછ્યું ઘણું,
ત્યાં ટપકતો એક પરસેવો કહે: ‘ઉત્તર જ હું.’
૨૦૮૨.
ભોર થાતાં લોક સૌ સોગંદ ખાતા તેલના,
સાંજ ઢળતાં ગરમ ભજિયાંમાં તળાયા એ બધા.
૨૦૮૩.
ફોનમાં છે પાંચસો મિત્રો, સદા હાજર બધા,
તાવ છે, ને ખાટલે છું, કોઈ પાણી દે નહીં.
૨૦૮૪.
‘આ ગરીબી કાઢશું’, બોલી ગયા સૌ રાજવી,
ને ગરીબો કાઢવામાં નીકળી ગ્યા વર્ષ સૌ.
૨૦૮૫.
આ પરાગે બીજ શબ્દોનાં ઉછેર્યાં પ્રેમથી,
આજ એની છાંયમાં થાકેલ પંથી બેસતા.
૨૦૮૬.
દીવડો નાનો હતો, પણ ક્યાં ડરે અંધારથી?
આપણે મોટા થયા, ને રોજ ડરતા થઈ ગયા.
૨૦૮૭.
રોટલીમાં હાથની એ છાપ માની આજ પણ,
ને ગમે તે થાળમાં એ સ્વાદ ક્યાં મળતો હવે?
૨૦૮૮.
એક ઘરમાં ચાર જણ ને ચાર ટીવી, ચાર ફોન,
ને જમે છે સૌ અલગ, જાણે અજાણ્યા હોટલે.
૨૦૮૯.
ઘર બનાવ્યું સાત માળે, આરસે મઢ્યું બધું,
તોય એમાં ક્યાંય ઘર જેવું કશું જડતું નથી.
૨૦૯૦.
ચા વિના તો સૂર્ય પણ ઊગે નહીં આ ઘર મહીં,
ને ઝઘડતાં બે જણાંની સંધિ થાતી કપ ઉપર.
૨૦૯૧.
એક ઝાંપો, એક ઓટો, ને પછી બસ ધૂળ ધૂળ,
એ દિવસથી આંખમાં કાયમ કશું ખૂંચ્યા કરે.
૨૦૯૨.
લાકડી લઈ બાપુ ચાલે આંગણે ધીમે પગે,
આંગળી ઝાલી મને જેણે ચલાવ્યો’તો કદી.
૨૦૯૩.
એક કાગળ ટેબલે ટેબલ ભટકતો રાતદિન,
ડાઘ ચાના છે બધે, પણ ના સહી એકે ય ત્યાં.
૨૦૯૪.
વાંસળી તો કૃષ્ણની, પણ ફૂંક રાધાની હતી,
એટલે તો ગોકુળે સૂરો બધા ભીના હતા.
૨૦૯૫.
જીવતાં ના કોઈ પૂછે, કેમ છો, ક્યાં છો, તમે?
ને મરણના બેસણામાં ભીડનો ના પાર છે.
૨૦૯૬.
શબ્દ બોલ્યા તો ઘણા, પણ વાત ના સમજાઈ ત્યાં,
એક ટીપું આંખનું, ને સૌ ખુલાસા થઈ ગયા.
૨૦૯૭.
દોર મારા હાથમાં, ને આભમાં ઊંચે પતંગ,
એ જ મારો ભ્રમ હતો, જે આજ કાપી લઈ ગયું.
૨૦૯૮.
ફૂલ ખીલે, ને ખરે, ભમરો ય આવે ને જશે,
આ પરાગે તો હવામાં મ્હેકવાનું હોય છે.
૨૦૯૯.
ફી ભરી’તી વર્ષની આખી, જિમે જોડાઈ ને
એક દી ગ્યો, ને પછી બાકી બધી ફી દાનમાં.
૨૧૦૦.
લાશની પાસે ય સેલ્ફી ખેંચતા સૌ આજકાલ,
આંસુ પણ ફિલ્ટર લગાવી પોસ્ટ થાતાં હોય છે.
૨૧૦૧.
રાત લાંબી હો ભલે, ને હો ઘટા કાળી ઘણી,
કૂકડાની એક બાંગે આભ ખૂલી જાય છે.
૨૧૦૨.
બાપુના ચંપલ પહેર્યા, તો ય ના એવું થયું,
જેમ એ ચાલ્યા હતા, હું એમ ચાલી ના શકું.
૨૧૦૩.
સત્ય બોલ્યો, તો સભામાં સૌ મને ભૂલી ગયા,
જૂઠ બોલ્યો, તો મને સૌ ફૂલહારે લઈ ગયા.
૨૧૦૪.
ડોલરો તો ખૂબ જોડ્યા, કાચનું ઘર ત્યાં થયું,
પણ સપનમાં રોજ આવે ગામ, ફળિયું, ઓસરી.
૨૧૦૫.
આ પરાગે જીવવાની રીત શીખી શેરથી,
બે જ લીટીમાં ય આખું આભ સમજાવાય છે.
– પરાગ રતનપરા