છૂટા શેર ૧૯૪૬–૨૦૦૦
૧૯૪૬.
હતું ગામ, ને ગામમાં ઘર હતું,
હવે ફ્લેટ છે, ને નથી ઘર કશે.
૧૯૪૭.
તમે યાદ આવ્યાં ઝરણ થઈ ફરી,
હૃદય-રણ થયું આજ ઉપવન સમું.
૧૯૪૮.
વચન દઈ ગયા એ, ગયાં વર્ષ પાંચ,
ફરી એ પધાર્યા નવા વાયદે.
૧૯૪૯.
ઘરે બાપ મૂંગા જ બેસી રહે,
છતાં ઘર બધું એ જ ખભ્ભે ટકે.
૧૯૫૦.
નદી, તું હજી ક્યાં સુધી દોડશે?
હસી એ: તરસ જ્યાં લગી જીવતી.
૧૯૫૧.
હવામાં પરાગે ભરી ચાંદની,
અને રાતરાણી હસી શરમથી.
૧૯૫૨.
હતો જોશ, જિમમાં ભરી ફી બધી,
પછી રોજ સોફા ઉપર ઊંઘતો.
૧૯૫૩.
પરોઢે ઘરેથી ધુમાડો ચડે,
અને બાજરીની સુગંધો ભળે.
૧૯૫૪.
નગરમાં હજારો મકાનો છતાં,
નથી કોઈ બોલાવતું: આવજે.
૧૯૫૫.
ભલે પાંખડી કાલ ખરશે બધી,
પરાગે ભરી મ્હેક બચશે અહીં.
૧૯૫૬.
વરસતા પવનમાં સુગંધો ભળી,
અને ધૂળ પણ ફૂલ જેવી બની.
૧૯૫૭.
ખભે ચાર જણ, ને મુખે રામનામ,
પ્રથમવાર આવ્યા બધા એ ઘરે.
૧૯૫૮.
હૃદય સાફ હો તો ઘરે ગંગ છે,
નહીં તો બધી ગંગ પણ મેલ છે.
૧૯૫૯.
હતી વાંસળી ને હતી રાધિકા,
હવે વાંસળી ગોખમાં છે પડી.
૧૯૬૦.
અરીસો કહે: કોણ છો આપ, ભાઈ?
ગયા વાળ ને પેટ વધતું ગયું!
૧૯૬૧.
લગનમાં હતાં ઢોલ, શરણાઈ, નાચ,
અને ફોનમાં વ્યસ્ત વરરાજ’તા.
૧૯૬૨.
શિયાળે ઠરે ગામ, ધ્રૂજે ધરા,
છતાં હૂંફ બાની ધરે ગોદડી.
૧૯૬૩.
ઘડી ચાંદની, ને ઘડી છે અમાસ,
અને બેઉ વચ્ચે ઝળકતું હૃદય.
૧૯૬૪.
વિદેશે ગયો, ગામ સાથે ગયું,
હૃદયમાં હજી એ જ પાદર હસે.
૧૯૬૫.
પરાગે ઉષાને સજાવી સદા,
છતાં સાંજ ઢળતાં ખરી એ ગયો.
૧૯૬૬.
ભરી બેડલાં, ગામ પાદર ચડી,
હવે નળ થયા, ગીત ભૂલી ગયાં.
૧૯૬૭.
દટાયું ભલે બીજ, તોયે જુઓ,
તિરાડે તિરાડે હસે કૂંપળો.
૧૯૬૮.
તમે ચા ધરો ત્યાં જ ઊગે સવાર,
તમારા વિના રાત પણ ના ઢળે.
૧૯૬૯.
અમાસે ભલે ચાંદ ના ઝળહળે,
હથેળી મહીં દીપ પ્રગટાવ તું.
૧૯૭૦.
નદી જેમ ઝરવું, અને ભીંજવું,
ન અટકી જવું, ના અટકવું કશે.
૧૯૭૧.
હતી બા, હતું આંગણું મ્હેકતું,
હવે એ જ ખુશ્બૂ પરાગે ભરી.
૧૯૭૨.
સલાડો ભરી થાળ સામે હતી,
નજર પણ જલેબી ઉપર ચોંટતી.
૧૯૭૩.
હતા શ્વાસ, તો સૌ સગાં પણ હતાં,
ગયા શ્વાસ, ને સૌ પરાયાં થયાં.
૧૯૭૪.
ખરે પાંદડાં, તો ય ઝૂરે નહીં,
વસંતો ફરી આવશે, એ ખબર.
૧૯૭૫.
ઘણા ચાંદ-તારા વચન દઈ ગયો,
હવે શાકમાં પણ કરું ભૂલ હું.
૧૯૭૬.
પરાગે ધરી ઝોળ ખાલી, છતાં
હવે એ ભરી છે સુગંધે સભર.
૧૯૭૭.
હતું એક ફાનસ, હતી વારતા,
હવે બલ્બ ઝળહળ, ન બાની કથા.
૧૯૭૮.
તમે ભીંજતાં, આંગણે મ્હેક છે,
હૃદયમાં હજી એ જ ભીનાશ છે.
૧૯૭૯.
મફતમાં ઘણું દઈ ગયા એ, ભલા,
પછી વોટ લઈને પલાયન થયા.
૧૯૮૦.
હતી ભીડ, ને ભીડ પણ એકલી,
બધાં ફોનમાં, કોઈ ના કોઈમાં.
૧૯૮૧.
વસંતે પરાગે ભરી ડાળ સૌ,
અને કોકિલા ગીત ગાતી ફરે.
૧૯૮૨.
ઉઘાડે પગે ચાલતો રોજ હું,
હવે બૂટ છે, પણ નથી ગામ ત્યાં.
૧૯૮૩.
ભલે હાથ બરછટ હતા બાપુના,
છતાં સ્પર્શ એનો હતો રેશમી.
૧૯૮૪.
નદી આરતીમાં ઝળકતી રહી,
અને ગંદકીમાં ગળાતી રહી.
૧૯૮૫.
તમે પાસ હો તો સમય ના વહે,
તમે દૂર હો તો ઘડી પણ સદી.
૧૯૮૬.
હતી રાતરાણી, હતી ચાંદની,
પરાગે લખી ત્યાં ગઝલ મ્હેકતી.
૧૯૮૭.
અહમના શિખર પર પહોંચ્યો ખરો,
પછી ત્યાં ન’તું કોઈ, બસ શૂન્ય’તું.
૧૯૮૮.
પરાગે પવનને સુગંધો ધરી,
પછી ગામ આખુંય મ્હેકી ગયું.
૧૯૮૯.
બજારે જરા શાક લેવા ગયાં,
હતી હાથ સાડી, ન’તું શાક ત્યાં!
૧૯૯૦.
ગગનને નમાવે ઉડાનો નહીં,
નમે આભ, જો પાંખમાં હેત હો.
૧૯૯૧.
ભલે માર્ક ઓછા, ન રડ તું, બકા,
હજી જિંદગીના ઘણા પ્રશ્ન છે.
૧૯૯૨.
નદી પાસ સળગી ચિતા એક, ને
નદી એમ ને એમ ખળખળ રહી.
૧૯૯૩.
ભજે ભક્ત અંદર, નજર ચંપલે,
હસે શ્યામ પણ જોઈ એની દશા.
૧૯૯૪.
ઉનાળે ધખે આભ, ધરતી તપે,
છતાં લીમડો છાંયડો દે સદા.
૧૯૯૫.
ગઝલમાં પરાગે ભરી ઝાકળો,
પરોઢે બધાં પાંદ ભીનાં થયાં.
૧૯૯૬.
ક્ષમા એ જ મોટો ખજાનો, સખા,
ભુલાવી શકે, એ જ સાચો ધની.
૧૯૯૭.
વસંતે કળી જ્યાં હસી ડાળ પર,
ભ્રમરનાં થયાં ગીત ઝળહળ બધે.
૧૯૯૮.
શમા પાસ જઈને બળી ગ્યું છતાં
પતંગે હસી પ્રેમ પામ્યો ખરો.
૧૯૯૯.
ભલે ઝૂંપડી, પણ ખરી ઊંઘ છે,
તિજોરી ભરેલા ઘણા જાગતા.
૨૦૦૦.
પરાગે ન ઘરબાર બાંધ્યું કદી,
હવા ઘર હતું, આભ ઓઢણ હતું.
– પરાગ રતનપરા