← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૭૬–૨૧૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૭૬.
પિતા મૌન શાને હતા, એ સમજ્યો,
પિતા થઈ ગયો, ને થયો મૌન હું પણ.

૧૭૭.
હસે ચાંદ, ને ઝૂંપડીમાં ન દીવો,
ગરીબો કને ચાંદ ફાનસ બને છે.

૧૭૮.
હતું ઘર જરા, ને બધા સાથ સૂતા,
હવે બંગલા પાંચ, ને સાવ છૂટા.

૧૭૯.
સુરક્ષા ઘણી, ને ઘણાં લૉક દ્વારે,
નગરમાં બધા જાત-કેદી થયા છે.

૧૮૦.
તને જોઈ ચાંદો ય શરમાઈ જાતો,
અમાસે ઘરે રોજ સંતાઈ જાતો.

૧૮૧.
નદીમાં જરા કાંકરો મેં ઉછાળ્યો,
વમળમાં તને જોઈ, પળમાં વિખેરાઈ.

૧૮૨.
પરાગે હવામાં ભરી મ્હેક સઘળી,
પછી ફૂલ પૂછે: ‘કહે, શેષ શું છે?’

૧૮૩.
દુકાને સજાવ્યાં રમકડાં ઘણાં, ત્યાં
અડે કાચને બાળ, ભીતર નિહાળે.

૧૮૪.
વરસ સાઠનાં, પણ હૃદય સોળનું છે,
હજી આયને જોઈ શરમાઈ જાઉં.

૧૮૫.
પિતાના ખભા પર ચડી જગ નિહાળ્યું,
પિતાને ખભો દઈ, ઝરી આંખ મારી.

૧૮૬.
અમે ચાંદને પણ ધજાથી સજાવ્યો,
હજી ભૂખથી બાળ સૂતું ધરા પર.

૧૮૭.
ઘરે તું પધારે, દિવાળી મનાવું,
નહીં તો દિવાઓ ય અંધાર ઓકે.

૧૮૮.
ઢળી સાંજ, પંખી ઘરે જાય પાછાં,
ઘરે હું ય ગ્યો, પણ ન'તું ત્યાં જ કો’ પણ.

૧૮૯.
વિદેશે ગયો દીકરો મેઘ જેવો,
વરસ બાદ વરસે, પછી દૂર ગાજે.

૧૯૦.
પરાગે લખી’તી ગઝલ પાંદડે, ને
પવન ગામ ગાતો ગયો એ ગઝલને.

૧૯૧.
પિયર શ્રીમતી ગઈ, અહો! શાંતિ ઘરમાં,
પછી ત્રણ દિવસમાં જ ભૂખ્યો, બિચારો!

૧૯૨.
સવારે સમાચારમાં યુદ્ધ, હત્યા,
છતાં ચા ગરમ, ને પકોડા ગરમ છે.

૧૯૩.
ભટકતાં ભટકતાં નવું ગામ દીઠું,
ઘણીવાર ભૂલો ય રસ્તા બતાવે.

૧૯૪.
મુકુટ મોરપીંછું, અધર વાંસળી છે,
છતાં રાધિકા વિણ અધૂરો કનૈયો.

૧૯૫.
હતો બાંકડો બાગમાં, બે જણાં’તાં,
હવે એકલો હું, પડખમાં સ્મરણ છે.

૧૯૬.
સફરમાં ઘણા સાથ છૂટ્યા અમારા,
હવે એકલો, ને સફર છે અનંતી.

૧૯૭.
અધૂરી ગઝલ છે, અધૂરી કહાણી,
મળે બે અધૂરાં, બને એક પૂરું.

૧૯૮.
પરાગે ન રાખ્યો બગીચો કદીયે,
પવન જ્યાં ગયો, ત્યાં કળીઓ મહેકી.

૧૯૯.
હતો પાદરે વડ, બધાનો વિસામો,
કપાયો, થયો મૉલ, છાંયો ન ક્યાંયે.

૨૦૦.
વિદાયે હસી દીકરી, બાપ રોયો,
હવે એ જ હસવું છબીમાં દિવાલે.

૨૦૧.
હતું સાચ કડવું, જુઠાણું રસીલું,
પછી જૂઠ ચાખ્યું, બધાને ‘શુગર’ છે.

૨૦૨.
હવે બાળ રમતાં નથી ધૂળમાં ક્યાં,
રમે ટેરવાં, ને રમે આંખ સ્ક્રીને.

૨૦૩.
જબાને મધુર, ને બગલમાં છરી છે,
ઘણા મિત્રનો આ જ અંદાજ છે, દોસ્ત.

૨૦૪.
ધખે ધોમ, ને છાંયડો શોધતો હું,
હતો લીમડો બાપ જેવો ખડો ત્યાં.

૨૦૫.
અહીં સૌ મુસાફર, જગત ધર્મશાળા,
ઘડીનો ઉતારો, છતાં મોહ ઝાઝો.

૨૦૬.
પરાગે કદી નામ લખ્યું ન ક્યાંયે,
હવામાં સુગંધી જ મારી સહી છે.

૨૦૭.
હતી ઊંઘ મીઠી, હતી ગોદ માની,
દવા ઊંઘની રોજ ગળતો, ન આવે.

૨૦૮.
નજર બે મળી, ને ધરા સ્વર્ગ થઈ ગઈ,
ન બોલ્યાં કશું, તોય વાતો ઘણી થઈ.

૨૦૯.
સમય તો નદી છે, ન પાછો વળે એ,
ઘડી આ જ પી લો, નહીં તો જવાની.

૨૧૦.
કફન પર ગઝલ એક લખજો, સખાઓ,
પરાગે કરી’તી ગઝલ જિંદગીભર.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૩૬–૧૭૫આગલો લેખ →છૂટા શેર ૨૧૧–૨૪૦