છેવાડાનું ઘર
ગામને છેવાડે
એક ઘર છે,
જ્યાં પાકો રસ્તો પૂરો થાય છે
ને કેડી શરૂ થાય છે.
ત્યાં
વીજળી મોડી આવી,
ટપાલી ભાગ્યે જ આવે,
ને નેતા
ચૂંટણી સિવાય
ક્યારેય નહીં.
પણ
ત્યાં સૂરજ
સૌથી પહેલો ઊગે છે,
ને ચાંદ
સૌથી મોડો આથમે છે.
વટેમાર્ગુ
રસ્તો ભૂલે
તો એ જ ઘરે
પાણી માગે છે.
મને ગમે છે
આ છેવાડાનું ઘર —
કારણ કે
જ્યાં દુનિયા પૂરી થાય છે,
ત્યાંથી જ
ક્ષિતિજ
શરૂ થાય છે.
– પરાગ રતનપરા