છેલ્લી બસ
રાતની છેલ્લી બસમાં
હું
ને ડ્રાઇવર.
એ આગળ જુએ છે,
હું બારીની બહાર.
વચ્ચે
ખાલી સીટોની
એક આખી વસ્તી છે —
જેમાં કોઈ બારીએ માથું ટેકવી ઊંઘતું નથી,
કોઈ ફોનમાં મોટેથી બોલતું નથી,
કોઈ છોકરું રડતું નથી.
કંડક્ટરે
ટિકિટ ફાડતાં પૂછ્યું:
“ક્યાં?”
મેં કહ્યું:
“છેલ્લા સ્ટૉપ સુધી.”
એ હસ્યો,
“સાહેબ, એ તો મારુંય છે.”
ત્યારે લાગ્યું
કે આખી સફરમાં
કોઈ નહોતું
એવું નથી;
અમે ત્રણે જણ
એક જ જગ્યાએ
ઊતરવાના હતા —
પોતપોતાના એકાંતમાં.
– પરાગ રતનપરા