છે નસીબ
એક ખાણે બે શિલા, પણ ભિન્ન કેવું છે નસીબ!
દેવતા થઈ એક, બીજો ઠેસ જેવું છે નસીબ.
ખેતરે સીંચ્યો પસીનો, મેઘ પણ સારો થયો,
તોય આ ઘરનું સદાયે માત્ર દેવું છે નસીબ.
જે ચણે છે બંગલા, એ ઝૂંપડે સૂતો સદા,
ઈંટ માથે, પીઠ વાંકી, રોજ એવું છે નસીબ.
પાર સૌને એ ઉતારે, ને રહે પોતે અહીં,
નાવિકે આયુષ્યભર બસ નાવ ખેવું છે નસીબ.
એક ડાળીનાં સુમન, કો દેવ, કો અર્થી, ‘પરાગ’,
કોણ ચૂંટે, એ મુજબ સૌ ફૂલ તેવું છે નસીબ.
– પરાગ રતનપરા
#ગઝલ #નસીબ #વિધિ #ખેડૂત #મજૂર #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #Fate #Inequality #Labour #ParagRatanpara