ચશ્માંના બે કાચ
અમે બંને
ચશ્માંના બે કાચ જેવાં છીએ.
એકબીજાને
કદી અડતાં નથી,
એકબીજાની સામે
કદી જોતાં નથી.
વચ્ચે એક નાક છે —
ક્યારેક અહંકારનું,
ક્યારેક સંતાનનું,
ક્યારેક ફક્ત ટેવનું.
છતાં
જગતને જ્યારે પણ જોયું,
સાથે જ જોયું.
એક જ દૃશ્ય,
બે બાજુથી.
ને ફ્રેમ?
એ તો પાંત્રીસ વરસ પહેલાં
બે ઘરનાં વડીલોએ
પસંદ કરી હતી.
હવે સમજાય છે —
એક કાચ તૂટે,
તો બીજો કાચ
આખો હોવા છતાં
કશા કામનો રહેતો નથી.
– પરાગ રતનપરા