ચાંદ પર પગલાં
ટીવી પર સમાચાર હતા:
‘આપણે ચાંદ પર પહોંચી ગયા!’
આખું ગામ તાળી પાડતું હતું,
ફટાકડા ફૂટતા હતા.
દાદીમા ચૂપચાપ
અગાશીએ ગયાં,
ચાંદ સામે જોયું,
ને ધીમેથી બોલ્યાં:
‘એમાં તો મારો રેંટિયો કાંતતી ડોશી હતી,
ને એક સસલું હતું,
ને કરવાચોથે
તારા દાદાનું મોઢું ત્યાં જ દેખાતું.’
‘હવે ત્યાં
લોઢાનું યંત્ર ઊભું છે?’
મેં કહ્યું: ‘હા, દાદીમા.’
દાદીમાએ
ચાંદ સામે ચારણી ધરી,
ને આંખ મીંચી.
વિજ્ઞાને ચાંદ જીત્યો,
દાદીમાએ
ચાંદ બચાવી રાખ્યો.
– પરાગ રતનપરા