ચાકડો
કુંભાર
માટીને પાણી પાય છે,
ખૂંદે છે,
ચાકડે ચડાવે છે.
માટી ફરે છે —
ગોળ ગોળ,
ચક્કર ચક્કર,
એને ચક્કર આવે છે.
આંગળીઓનું દબાણ વધે છે,
અંદર ખાડો પડે છે,
માટી ચીસ પાડવા જાય
ત્યાં તો
એના પેટમાં
પાણી ભરવાની જગ્યા થઈ જાય છે.
હે ઘડનારા,
હવે સમજાય છે —
તેં મને જ્યાં જ્યાં દબાવ્યો,
ત્યાં ત્યાં
મને કશુંક ઝીલવા જેવો
બનાવ્યો હતો.
– પરાગ રતનપરા