ભૂલી જજે
મને ભૂલી જજે —
બસ, આટલું કરજે:
મંગળવારે
ગલીના નાકે ગજરાવાળો આવે
ત્યારે મોં ફેરવી લેજે.
વરસાદ પડે
ત્યારે બારી બંધ રાખજે,
ને ચા
એક ચમચી ઓછી ખાંડવાળી
ન બનાવતી.
મારાં પુસ્તકો
પસ્તીમાં આપી દેજે,
પણ ત્રીજા ખાનામાં ગાલિબ છે,
એનાં પાનાં વચ્ચે
સુકાયેલું ગુલાબ છે —
એ…
એ ભલે રહેવા દેજે.
ને હા,
મારું નામ કોઈ પૂછે
તો અટક્યા વગર
બોલી જજે.
જોયું?
ભૂલવાનો પણ
આખો નકશો
મને જ યાદ છે.
– પરાગ રતનપરા