ભીતર હોય તો
શબ્દ આપોઆપ ગાશે, ગીત ભીતર હોય તો,
આંખ પણ બોલી શકે, જો પ્રીત ભીતર હોય તો.
કોણ જીત્યું, કોણ હાર્યું, એ ગણિત છે લોકનું,
હાર પણ લાગે ઉજાણી, જીત ભીતર હોય તો.
એકલો જંગલ મહીં બેસે, ન લાગે એકલો,
સાથ કો’નો ના જરૂરી, મીત ભીતર હોય તો.
ક્રોધની જ્વાળા ભલેને આસપાસે ભડભડે,
ધોમ તડકે પણ ઠરે મન, શીત ભીતર હોય તો.
આ પરાગે ફૂલ પાસે એક શીખ્યો પાઠ કે
મ્હેકવાનું સૌ કને, એ રીત ભીતર હોય તો.
– પરાગ રતનપરા
#ગઝલ #ભીતર #આંતરિકશાંતિ #પ્રેમ #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerWorld #InnerPeace #Love #Contentment #ParagRatanpara