ભીંજવે
આજ આ વરસાદ મારા આંગણાને ભીંજવે,
ઝૂંપડીમાં એક જૂના ઓઢણાને ભીંજવે.
આભ આખું ઊતરે છે છાપરાની ફાટમાં,
જાગતી મા, રાતભર આ પારણાને ભીંજવે.
તું સદા ગાતો રહે વરસાદનાં ગીતો ભલે,
કોઈના ચૂલા તણા એ તાપણાને ભીંજવે.
આ તરફ મલ્હાર ગાતી ગોઠડી ચાલી રહી,
ને ગરીબોના ઉઘાડા બારણાને ભીંજવે.
છો ‘પરાગે’ બંધ બારી, બારણાં રાખ્યાં, છતાં,
પારકી પીડા જ આખર આપણાને ભીંજવે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ગરીબી #ઝૂંપડી #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #Poverty #LeakingRoof #Empathy #ParagRatanpara