← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

ભવિષ્યનો શેર, ભૂતકાળનો હપ્તો

૧૬ ઓક્ટોબર ૨૦૨૬નિબંધ

Buying the Future, Paying the Past
ભવિષ્યનો શેર, ભૂતકાળનો હપ્તો

પરાગ રતનપરા

ઓક્ટોબર મહિનો છે. દિવાળી બારણે ટકોરા મારે છે, પણ આ વખતે દિવાળી પહેલાં એક બીજો તહેવાર આવી ગયો છે: જિયો પ્લેટફોર્મ્સનો IPO. તારીખ ૨૧ થી ૨૩ ઓક્ટોબર. પ્રાઈસ બેન્ડ ₹૧,૦૬૫ થી ₹૧,૧૧૯. ઈશ્યૂ સાઈઝ ₹૩૦,૨૧૩ કરોડ સુધી. ઉપલા બેન્ડ પર કંપનીની કિંમત આશરે ૧૦૮ અબજ ડોલર.

આ આંકડા સાંભળીને સોસાયટીના બાંકડા પર બેઠેલા દરેક કાકા રાતોરાત ફંડ મેનેજર બની ગયા છે. જેમણે આખી જિંદગી FD સિવાય ક્યાંય પૈસા નથી મૂક્યા, એ પણ હવે "લિસ્ટિંગ ગેઈન" બોલે છે, અને "ગેઈન" પર એવો ભાર મૂકે છે જાણે એ બાપદાદાની જાગીર હોય. ફેમિલી WhatsApp ગ્રૂપમાંથી ત્રણ દિવસથી ગુડ મોર્નિંગનાં ગુલાબ ગાયબ છે. એની જગ્યાએ એક જ સવાલ ફરે છે: "GMP કેટલું ચાલે છે?"

ગુજરાતી માટે IPO એટલે લગ્નની કંકોતરી. કન્યા કોણ છે, વર શું કરે છે, એ જાણવાની જરૂર નથી. જમણવાર સારો હશે, એટલું પૂરતું છે. ભરી દો ફોર્મ. ઘરના ચાર સભ્યોના ચાર PAN, ચાર ડીમેટ, ચાર અરજી. લોટરીમાં એટલી શ્રદ્ધા કે ભગવાન પણ શરમાઈ જાય.

પણ આ આખા ઘોંઘાટમાં એક વાત લગભગ કોઈની નજરે નહીં ચડે.

આ ઈશ્યૂ ૧૦૦% ફ્રેશ ઈશ્યૂ છે. કોઈ પોતાના શેર વેચતું નથી. એક પણ રૂપિયો કોઈ પ્રમોટર કે જૂના રોકાણકારના ખિસ્સામાં જતો નથી. બધા પૈસા જિયોમાં જાય છે.

ભારતમાં જ્યારે કોઈ કહે કે "હું કંઈ વેચવા નથી આવ્યો", ત્યારે સામાન્ય રીતે ચેતી જવું. વીમા એજન્ટ પણ આ જ વાક્યથી શરૂઆત કરે છે. પણ અહીં વાત સાચી છે. ઓફર ફોર સેલ હોય તો જૂનો માલિક પોતાનો માલ તમને પકડાવીને ઘેર જાય. ફ્રેશ ઈશ્યૂમાં પૈસા દુકાનના ગલ્લામાં જાય. ફરક એટલો જ છે જેટલો દીકરાના લગ્નનો ચાંલ્લો બાપના ખિસ્સામાં જાય કે નવા દંપતીના ઘરમાં.

એટલે સવાલ "ભાવ કેટલો?" નથી. સવાલ છે: "પૈસા જાય છે ક્યાં?"

અને અહીં આવે છે IPO ની અસલ કુંડળી: ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઈશ્યૂ. આપણે છોકરાનો પગાર પૂછીએ છીએ, પણ એના માથે લોન કેટલી છે એ ક્યારેય નથી પૂછતા. વેલ્યુએશન એટલે પગાર. ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઈશ્યૂ એટલે લોન.

તો ખોલો કુંડળી. ₹૩૦,૨૧૩ કરોડમાંથી આશરે ₹૨૭,૫૦૦ કરોડ રિલાયન્સ જિયો ઈન્ફોકોમનું દેવું ચૂકવવામાં જવાના છે. બાકી બચે છે "જનરલ કોર્પોરેટ પર્પઝ", જેનો સાદો ગુજરાતી અનુવાદ થાય: પરચૂરણ.

એટલે તમે "ભવિષ્ય" ખરીદવા લાઈનમાં ઊભા છો, અને તમારા પૈસા ભૂતકાળનો હપ્તો ભરવા જાય છે.

તમે પૂછો કે ટાવર કેટલા? રોલઆઉટ કેટલું કઠણ હતું? જવાબ ખટમીઠો છે. ટાવર તો ક્યારના ઊભા છે. ૪G પાથરવાની, ૫G દોડાવવાની, ગામડે ગામડે ફાઈબર ખેંચવાની જે મહેનત હતી, એ લોન લઈને થઈ ગઈ. આ IPO નવા ટાવરનો નથી, જૂના ટાવરના બિલનો છે. ગૃહપ્રવેશ થઈ ગયો, સત્યનારાયણની કથા પણ પતી ગઈ. હવે મહેમાનોને બોલાવીને પૂછાય છે: "હાઉસિંગ લોન ભરવામાં ભાગીદાર બનશો?"

ન્યાય ખાતર એક વાત કહેવી જોઈએ: દેવું ચૂકવવું ખરાબ નથી. વ્યાજ ઘટે, બેલેન્સ શીટ હળવી થાય, નફો મોટો દેખાય. સમજદાર ઘરમાં પણ દિવાળી બોનસ આવે એટલે પહેલું ક્રેડિટ કાર્ડનું બિલ ભરાય છે. પણ સમજદારી અને જાહેરાત વચ્ચે ફરક છે. જાહેરાતમાં "ડિજિટલ ઈન્ડિયાનું ભવિષ્ય" વેચાય છે. કુંડળીમાં "બેંકનું વ્યાજ" લખેલું છે. આપણે જાહેરાત વાંચીએ છીએ, કુંડળી નહીં. જેમ છાપામાં રાશિફળ તો રોજ વાંચીએ, પણ અસલ કુંડળી જ્યોતિષીને સોંપી દઈએ.

હવે આ કથાનો સૌથી રસિક પ્રસંગ. શરૂઆતમાં યોજના ઓફર ફોર સેલની હતી. ૨૦૨૦માં પૈસા નાખનારા મોટા માથા, એટલે ગૂગલ, મેટા, KKR, સિલ્વર લેક, સાઉદીનું PIF, પોતાનો હિસ્સો વેચવાના હતા. એમને ઊંચો ભાવ જોઈતો હતો. રિલાયન્સને એ ભાવ મંજૂર નહોતો. પરિણામ? "કોઈ નહીં વેચે. ફ્રેશ ઈશ્યૂ." અને જે વેલ્યુએશનની વાતો ક્યારેક ૧૩૩ થી ૧૫૪ અબજ ડોલર સુધી થતી હતી, એ નીચે ઊતરી.

મતલબ, દુનિયાના સૌથી અમીર રોકાણકારો ભાવ માટે ઝઘડ્યા, અને એ ઝઘડાનો ફાયદો સામાન્ય રિટેલ રોકાણકારને મળ્યો. બિલકુલ લગ્નમાં વેવાઈઓ રિસાય ત્યારે થાય એમ. મોટેરા મોઢું ચડાવીને ખૂણામાં બેઠા હોય, અને બાળકો શાંતિથી ત્રીજી વાર મોહનથાળ લઈ આવે.

હવે સલામની વાત.

મુકેશ અંબાણીને સલામ, અને સાચા દિલથી. ૨૦૧૬ પહેલાં આપણે ૧ GB ડેટા માટે ₹૨૫૦ જેટલા આપતા, અને "ડેટા ઓન" કરતાં પહેલાં ત્રણ વાર વિચારતા, જાણે બેંકનું લોકર ખોલતા હોઈએ. જિયો આવ્યું અને આખો દેશ રાતોરાત ઓનલાઈન થઈ ગયો. ખેડૂત પાસે મંડીનો ભાવ પહોંચ્યો, ગામડાના વિદ્યાર્થી પાસે યુટ્યૂબ લેક્ચર પહોંચ્યા. કાકા પાસે ફેક ન્યૂઝ પણ પહોંચ્યા, પણ એમાં જિયોનો વાંક નથી, કાકાનો છે.

અને આકાશ અંબાણીને ખાસ સલામ. બાપનો ધંધો સંભાળવો બહારથી સહેલું લાગે, પણ એ સૌથી અઘરું કામ છે. ગુજરાતી પરિવારમાં બીજી પેઢી સામાન્ય રીતે બેમાંથી એક કામ કરે છે: કાં ધંધો ડુબાડે, કાં આખી જિંદગી બાપ સાથે સરખામણી સહન કરે. અહીં તો કંપની દેશના સૌથી મોટા IPO સુધી પહોંચી ગઈ.

પણ ભારતીય સલામમાં પણ એક વિરોધાભાસ છુપાયેલો છે. સવારે આપણે કહીએ "ધંધો તો અંબાણી જ કરી જાણે", અને સાંજે રિચાર્જ ₹૨૦ મોંઘું થાય તો "મોનોપોલી! લૂંટ!"ની બૂમ પાડીએ. ફ્રી ડેટા વખતે આપણે ગ્રાહક નહોતા, આપણે ચારો હતા. અને ચારાએ પણ થેંક યૂ કહ્યું હતું. હવે એ જ ચારો શેરહોલ્ડર બનવા લાઈનમાં ઊભો છે, જેથી આગલી વખતે રિચાર્જ મોંઘું થાય ત્યારે દુઃખ ઓછું થાય: "ખિસ્સામાંથી ગયું, પણ ડિવિડન્ડમાં પાછું આવશે." આને કહેવાય દેશી હેજિંગ.

તો શું આ ભવિષ્ય સબ્સ્ક્રાઈબ કરવા જેવું છે?

ભારતમાં ભવિષ્ય બે જ જગ્યાએ વેચાય છે: જ્યોતિષીની દુકાને અને શેરબજારમાં. બંને જગ્યાએ ફી પહેલાં લેવાય છે, અને ગેરંટી ક્યારેય નથી મળતી. ફરક એટલો કે જ્યોતિષી ગ્રહ જુએ છે, બજાર ગ્રાહક જુએ છે. જિયો પાસે ગ્રાહક છે, કરોડોમાં. એ ગ્રાહક દર વર્ષે થોડો વધારે ડેટા ખાય છે અને થોડું વધારે ચૂકવે છે. ભવિષ્ય ત્યાં જ છે. પણ એ ભવિષ્યની કિંમત ₹૧,૧૧૯માં વાજબી છે કે નહીં, એ પ્રશ્ન કુંડળીનો નથી, ગણિતનો છે. અને ગુજરાતી ગણિતમાં પાકો છે. બસ, IPO વખતે ગણિત ઘેર ભૂલી આવે છે.

અને હવે આવે છે ત્રીજા ક્રમની અસર: સ્ટારલિંક.

પહેલી અસર: આકાશમાંથી ઈન્ટરનેટ આવશે, હરીફાઈ વધશે. બીજી અસર: જ્યાં ટાવર નથી પહોંચ્યા, એ પહાડ, રણ અને દરિયાકિનારે ઈલોન મસ્કના સેટેલાઈટ પહોંચશે. ત્રીજી અસર સાંભળીને હસવું આવે: ૨૦૨૫માં જિયોએ પોતે જ સ્પેસએક્સ સાથે કરાર કરી લીધો કે સ્ટારલિંકનાં સાધનો જિયોના સ્ટોરમાં વેચાશે. એરટેલે પણ એ જ કર્યું.

એટલે જે દુશ્મન આકાશમાંથી ઊતરવાનો હતો, એને શો-રૂમના કાઉન્ટર પર બેસાડી દીધો. આ છે અસલ ગુજરાતી કૂટનીતિ: હરીફને હરાવી ન શકો, તો એને વેવાઈ બનાવી દો.

અને સ્ટારલિંક હાલ સસ્તું નથી, એટલે એનો ખતરો શહેરના રિચાર્જ પર નહીં, ગામડાના ખૂણા પર છે. બાકી ભારતીય ગ્રાહકની વફાદારી વિશે કોઈ ભ્રમમાં ન રહે. આપણે દેશભક્ત છીએ, બ્રાન્ડભક્ત નથી. જે દિવસે કોઈ પણ, જિયો હોય, એરટેલ હોય કે મસ્ક, ₹૧૦ સસ્તું રિચાર્જ આપશે, એ દિવસે આપણું સિમ કાર્ડ પણ પક્ષપલટો કરશે, બિલકુલ ચૂંટણી પહેલાંના ધારાસભ્યની જેમ. સ્ટારલિંકનો ખરો ખતરો એની ટેકનોલોજી નથી. ખરો ખતરો આપણી વફાદારી છે, જે રિચાર્જના ભાવ જેટલી જ હોય છે.

અંતે થશે શું, એ પણ લખી રાખો. ૨૧ ઓક્ટોબરે આખું ગુજરાત અરજી કરશે. થોડા દિવસ પછી મોટા ભાગનાને એલોટમેન્ટ નહીં મળે. પછી એ જ લોકો લિસ્ટિંગના દિવસે પ્રીમિયમ ભાવે ખરીદશે, અને સાંજે ચા પીતાં પીતાં કહેશે: "મને તો પહેલેથી ખબર હતી."

ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઈશ્યૂ કોઈ નહીં વાંચે. આ લેખ વાંચ્યા પછી પણ કદાચ નહીં વાંચે.

કારણ કે ભારતમાં IPO ભવિષ્ય નથી વેચતો. એ એક લાગણી વેચે છે: જે માણસ પાસે બધું છે, એનો એક નાનકડો ટુકડો હવે આપણી પાસે પણ છે.

અને એ લાગણીનો કોઈ પ્રાઈસ બેન્ડ નથી હોતો.

સાચી પણ વિચિત્ર હકીકતો (Real but Weird Facts)

• આખા ભારતનું ઈન્ટરનેટ ચલાવતી જિયો પ્લેટફોર્મ્સ ૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ અમદાવાદમાં નોંધાયેલી કંપની છે. દેશનો ડેટા ગુજરાતમાં જન્મ્યો છે.
• આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે, હ્યુન્ડાઈના ₹૨૭,૮૫૯ કરોડને પાછળ છોડીને. છતાં એના આશરે ૯૦% પૈસા દેવું ચૂકવવામાં જશે. રેકોર્ડ તોડનારો ઈશ્યૂ અસલમાં દેશનો સૌથી મોટો હપ્તો છે.
• જેને જિયોનો ભાવિ હરીફ ગણવામાં આવતો હતો, એ સ્ટારલિંકનાં સાધનો વેચવાનો કરાર ૨૦૨૫માં જિયોએ પોતે જ કર્યો.

પરાગ રતનપરા

If you like it, please share it.

#JioIPO #IPOIndia #StockMarket #Starlink #જિયો_આઈપીઓ #શેરબજાર #ગુજરાતી_નિબંધ #વ્યંગ

જીવનચિંતનપૈસા
← પહેલો લેખKnowledge Is Cheap, Bottlenecks Are Gold: જ્ઞાન સસ્તું, નાકું મોંઘુંઆગલો લેખ →ચોરી કરનારની ઊંઘ ઊડી ગઈ